
ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા ટેરિફ પછી કેલિફોર્નિયામાં સૈનિકોની તહેનાતી મામલે કોર્ટે જોરદાર ઝટકો આપ્યા બાદ હવે ફરી એક મામલે કોર્ટે મોટો આંચકો આપ્યો છે. માહિતી અનુસાર, અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાવર્ડ યુનિવર્સિટીને રિસર્ચ માટેના ભંડોળમાં 2.6 બિલિયન ડોલરનો કાપ મૂકવાના નિર્ણયને ઉલટાવી દીધો. આ નિર્ણય હાર્વર્ડ યુનિવર્સિટીની એક મોટી જીત છે. જસ્ટિસ એલિસન બરોઝે કહ્યું કે, ટ્રમ્પ સરકારે મૂકેલો આ કાપ ખોટો હતો અને હાર્વર્ડે સરકારની કેટલીક માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાથી બદલાની કાર્યવાહી રૂપે જ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ બરોઝે તેમના 84 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારે યહૂદી વિરોધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને રિસર્ચ ફન્ડિંગ ગેરકાયદેસર રીતે રોકવા માટે “બનાવટી વાર્તા” બનાવી હતી. જજે યહૂદી વિરોધી પ્રવૃત્તિઓના બહાના હેઠળ હાર્વર્ડનું ભંડોળ રોકવા મામલે સરકાર ખોટી હતી. સરકારે કાયદાના નિયમોનું પાલન કર્યું નથી. હાર્વર્ડને આપવામાં આવતા તમામ ભંડોળને પુનઃસ્થાપિત કરવામાં આવે અને ભવિષ્યમાં એવા કોઈ કાપ મૂકવામાં ન આવે જે હાર્વર્ડના અધિકારોનું ઉલ્લંઘન કરે.