
અમદાવાદ સહિત રાજ્યભરના મોટા શહેરમાં રહેણાંક સોસાયટીઓમાં પેંઇગ ગેસ્ટ ચલાવનાર સંચાલકોને ગુજરાત હાઇકોર્ટ તરફથી કોઇપણ રાહત આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ મૌના ભટ્ટ દ્વારા મૌખિક રીતે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે, આ પિટિશન કવેળાની કરવામાં આવી છે. પીજી સંચાલકોએ પહેલા કાયદાનું પાલન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટીસોનો જવાબ આપવો જોઇએ અને ત્યારબાદ કોઇ તકલીફ હોય તો તેઓ હાઇકોર્ટમાં આવી શકે છે.
કોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, દેશમાં હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી બાબતે હાલમાં ઘણા પ્રશ્નેો છે. જ્યારે દેશમાં જ્યારે કોઇ કાયદો બનાવવામાં આવ્યો હોય ત્યારે તેનો અમલ થવો જરૂરી છે.પીજી સંચાલકો પોતાના હક્કો માંગતા હોય તો પછી તેમણે તેમની ફરજ પણ પુરી કરવાની રહેશે. આમ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. કારણ કે હાઇકોર્ટ દ્વારા આ પિટિશન સાંભળવા માટે હાલના તબક્કે કોઇ કારણ નથી તેવો મત અપનાવતા પીજી સંચાલકોના વકીલે તે અરજી પરત ખેંચી લીધી હતી.
કેસની વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની સ્કાયલાર્ક સોસાયટીના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને અનુક્રમે પેઇંગ ગેસ્ટ અને હોમ સ્ટે સુવિધા બાબતે નિયમો જાહેર કરવા માટે આદેશ આપ્યો હતો. તેનુ પાલન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી હતી. તેમાં એવુ ફરજીયાત કરાયું હતું કે કોઇપણ હોસ્ટેલ એટલે કે પીજી ચલાવવા માટે સોસાયટી અને પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. આથી અનેક સોસાયટી સંચાલકોએ પોતાના ત્યાં ચાલતા પીજી બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પીજી સંચાલકોને નોટીસો આપવામાં આવી હતી.
આથી તેઓએ આ નોટીસો અને નિયમો સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. તેની આજે પ્રથમ સુનાવણી દરમિયાન વકીલ દ્વારા રજૂઆત કરાઇ હતી કે, એએમસી દ્વારા બનાવાયેલા નિયમો રદ બાતલ ઠેરવવા જોઇએ. કારણ કે ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એટલે કે જીડીસીઆરના નિયમો મુજબ હોસ્ટેલ ફેસીલીટી ચલાવી શકાય છે. તેના માટે સોસાયટીની પરવાનગીની જરૂર નથી. વળી એએમસીનો નિયમોને હાથો બનાવીને સોસાયટી સંચાલકો દ્વારા પીજી સંચાલકો અને ત્યાં રહેતા યુવાનો તેમજ યુવતીઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેઓના મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ બંધારણના આર્ટીકલ 19 મુજબ દરેક લોકોને રહેવાનો હક્ક આપવામાં આવ્યો છે.
બીજી બાજુ સરકારી વકીલ દ્વારા સખત વિરોધ કરાયો હતો કે આ પિટિશન બહુ પ્રિમેચ્યોર સ્ટેજ એટલે કે કવેળાની કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં માત્ર નોટીસ આપવામાં આવી છે કે, તેઓએ જે પીજી હોસ્ટેલ ચલાવે છે તેના બાબતના પુરાવા રજૂ કરો. તે સિવાય કોઇ પગલા લેવાયા નથી. તો પછી હાલમાં પિટિશન કરવાની કોઇ જરૂરીયાત નથી. વળી જીડીસીઆરમાં સ્પષ્ટ લખ્યુ છે કે, રહેણાંક સોસાયટીમાં પૈસા લઇન કોઇને રહેવાની અને જમવાની સુવિધા આપવામા આવે તો તે હોસ્ટેલ ફેસિલીટી ગણાય અને તે કોમર્શિયલ પ્રવૃત્તીમાં આવતું હોવાથી તે બાબતે પૂર્વમંજૂરી લેવી જરૂરી છે. તેમાં સોસાયટીની મંજૂરીનો પણ સમાવેશ થાય છે.