ગુજરાતમાં બોઈલર સલામતી: ત્રણ વર્ષમાં એકપણ જીવલેણ અકસ્માત નહીં

રાજ્યમાં બોઇલર તંત્ર દ્વારા અત્યાર સુધીમાં તમામ કાર્યરત બોઈલરોનું 100% નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સઘન અને અસરકારક કામગીરીને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં બોઈલર સંબંધિત એકપણ જીવલેણ અકસ્માત નોંધાયો નથી. શ્રમ આયુક્તની દેખરેખ હેઠળ કાર્યરત, બોઇલર તંત્ર ઉદ્યોગોમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિરીક્ષણ અને પ્રમાણીકરણ: વર્ષ ૨૦૨૨ થી ૨૫ દરમિયાન, કુલ ૨૩,૭૧૯ બોઈલર અને ૬૭૫ ઇકોનોમાઇઝર ને પ્રમાણિત કરવામાં આવ્યા છે.
આર્થિક આવક: છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા ૨૨ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેની સામે બોઈલર નિરીક્ષણ ફી દ્વારા ૩૬ કરોડથી વધુની આવક થઈ છે. આ આવક સરકારી ખજાનામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. સલામતી અને કાયદાકીય અમલીકરણ: આ તંત્રનો મુખ્ય ઉદ્દેશ બોઇલરના વિસ્ફોટ જેવી દુર્ઘટનાઓ અટકાવવાનો છે, જેનાથી જાનમાલ અને મિલકતનું રક્ષણ કરી શકાય. બોઇલર કાયદાઓનું કડક અમલીકરણ કરીને ઔદ્યોગિક સલામતી અને શાંતિનું વાતાવરણ જાળવવામાં આવે છે.
બોઇલર અધિનિયમ-૨૦૨૫ મુજબ, જે બોઇલરોની વોલ્યુમેટ્રિક કેપેસિટી ૨૫ લિટરથી વધુ હોય, કાર્યરત ગેજ પ્રેશર ૧ Kg/cm2 કરતાં વધુ હોય, અને પાણી ૧૦૦°C કરતાં વધુ તાપમાને ગરમ થતું હોય, તેવા તમામ બોઇલર અથવા સ્ટીમ જનરેટરની નોંધણી કરાવવી ફરજિયાત છે. આ નિયમોનું પાલન કરીને જ તેનો ઉપયોગ કરી શકાય છે. આનાથી ઉદ્યોગો અને કામદારો બંનેની સલામતી સુનિશ્ચિત થાય છે.
બોઇલર તંત્રના અન્ય ઉદ્દેશ્યો:
બોઇલર તંત્ર માત્ર નિરીક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ તે ઘણા અન્ય ઉદ્દેશ્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે:
પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ: ઊર્જાનો બચાવ કરીને પર્યાવરણની જાળવણી કરવી.
માનવ સંસાધન વિકાસ: ઉદ્યોગોમાં સક્ષમ અને કુશળ માનવબળ પ્રદાન કરીને કામદારોનો વિકાસ કરવો.
રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ: બોઇલરોની સલામતી સુધારવાથી રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન અટકાવવું.