જે પુત્રને દેવુ કરીને વિદેશ ભણવા મોકલ્યો તે ઘડપણનો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો! અમદાવાદમાં કમકમાટીભરી ઘટના

Spread the love

 

અમદાવાદ: શહેરમાં વધુ એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં એક કપાતર પુત્રએ લગ્ન ન થવાના કારણે પોતાની જ માતાની હત્યા કરી દીધી. આ ઘટના સોલા વિસ્તારમાં આવેલા વર્ધમાન કૃપા ફ્લેટમાં બની હતી, જ્યાં 6 વર્ષ કેનેડા રહીને પરત ફરેલા 31 વર્ષના યુવક વ્રજ કોન્ટ્રાક્ટરે પોતાની માતા પારૂલબેન કોન્ટ્રાક્ટરને લગ્ન બાબતે થયેલી બોલાચાલીમાં માર માર્યો, જેના કારણે તેમને આંતરિક ઈજાઓ થઈ અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

શું બની હતી ઘટના?
ઘટના મંગળવાર રાત્રે લગભગ દસ વાગ્યાની છે. સોલાના વર્ધમાન કૃપા ફ્લેટમાં રહેતા વ્રજ, જે 2018 થી 2024 દરમિયાન સ્ટુડન્ટ વિઝા પર કેનેડા રહ્યો હતો, તે ભારત પરત ફર્યા બાદ કોઈ કામધંધો કરતો નહોતો. આ કારણે તેના લગ્ન થઈ રહ્યા નહોતા. આ બાબતે તે અવારનવાર તેના માતા-પિતા અને બહેન સાથે ઝઘડા કરતો હતો.

મંગળવારની રાત્રે જ્યારે તેની બહેન નકશી તેની માતા પારૂલબેનના પગમાં દુખાવો થતો હોવાથી બરફ ઘસી રહી હતી, ત્યારે વ્રજે ફરીથી લગ્નનો મુદ્દો ઉઠાવ્યો. તેણે ગુસ્સામાં આવીને માતાને કહ્યું કે, “તમે અને મારા પપ્પા લગ્ન કેમ નથી કરાવતા? મારા માટે છોકરી શોધી આપો.” આટલું કહીને તેણે પારૂલબેનની પીઠ પર જોરદાર મુક્કો માર્યો હતો.

મુક્કાના કારણે પારૂલબેનને અસહ્ય પીડા થઈ અને તેઓ નીચે ફસડાઈ પડ્યા હતા. તેમની દીકરી નકશીએ પાડોશીની મદદથી તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. જોકે, સારવાર દરમિયાન પારૂલબેનનું દુઃખદ અવસાન થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, મુક્કાના કારણે તેમની બરોળ ફાટી ગઈ હતી અને આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીરમાં લોહી પ્રસરી ગયું હતું, જે તેમના મૃત્યુનું કારણ બન્યું.

પિતા આઘાતમાં, પોલીસની કાર્યવાહી
ઘટના બાદ મૃતક પારૂલબેનના પતિ મયંકભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, તેમણે પુત્રને પગભર કરવા માટે દેવું કરીને તેને કેનેડા ભણવા મોકલ્યો હતો, પરંતુ તે ઘડપણનો સહારો બનવાને બદલે હત્યારો બની ગયો. આ ઘટનાથી આખો પરિવાર ગહેરા આઘાતમાં છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભુકણે જણાવ્યું કે, પોલીસે પુત્ર વ્રજ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં કૌટુંબિક સંબંધો અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *