રણુજાના મેળામાંં લાખો લોકો ઉમટ્યા, પૂનમ માડમ પર ડોલરનો વરસાદ

Spread the love

 

ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ એટલે જામનગરના કાલાવડનો રણુજાનો મેળો, જ્યાં રામદેવપીરનાં દર્શન કરવા અને મેળાની મજા માણવા લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. સાંજે લોકડાયરો યોજાયો હતો, જેમાં સાંસદ પૂનમ માડમ પર ડોલર અને સોના-ચાંદીની નોટોનો વરસાદ થયો હતો તેમજ ભજનોની રમઝટ વચ્ચે મોબાઇલની ફ્લેશલાઇટથી આરતી કરાઈ હતી.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે ત્રણ દિવસીય પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ભરવાડ સમાજ અને દેવસ્થાન સમિતિ દ્વારા આયોજિત લોકડાયરામાં સાંસદ પૂનમ માડમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
જૂના રણુજાની હીરાભગતની જગ્યામાં આયોજિત લોકડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમ માડમ પર ડોલર, સોના-ચાંદીની નોટો અને 500 રૂૂપિયા ચલણી નોટોનો વરસાદ કર્યો હતો તેમજ પાઘડી પહેરાવીને પૂનમબેનનું સન્માન કર્યું હતું. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિનો એક અનેરો માહોલ છવાઈ ગયો હતો.
આ મેળામા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. લોકડાયરા દરમિયાન કલાકારોએ રામદેવપીરનાં ભજનોની રમઝટ બોલાવી હતી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઈટથી રામદેવપીરની આરતી ઉતારવામાં આવી હતી. આ દૃશ્ય આકાશમાં ચમકતા તારાઓ જેવું દિવ્ય લાગતું હતું. સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશલાઈટથી આરતીમાં ભાગ લીધો હતો મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ રામદેવપીર મહારાજનાં દર્શન કર્યાં હતાં. ભજન, ભોજન અને કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ દાયકાથી વધુ સમયથી રણુજામાં યોજાતો આ પરંપરાગત મેળો સમાજની એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓએ દર્શન કરી પ્રસાદ લીધો અને મેળાનો આનંદ માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *