
ઉત્તર ભારતના દિલ્હી, પંજાબ, હરિયાણા અને કાશ્મીર જેવા રાજ્યોમાં ચોમાસાનો ભયાનક વરસાદ વિનાશક સાબિત થઇ રહ્યો હોય તેમ હાલત વધુને વધુ ગંભીર બની રહી છે. પંજાબમાં તો સૈન્યને ઉતારવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ સંખ્યાબંધ વિસ્તારોમાં હોડીઓથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. હરિયાણામાં પણ માર્ગો નદી બની ગયા છે. જમ્મુ પછી કાશ્મીરના ભાગો પણ આફતમાં સપડાયા છે. પાટનગર દિલ્હીમાં વરસાદી કહેરમાંથી મુક્તિ ન હોય તેમ જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું છે.
યમુના નદીનું પાણી ખતરનાક લેવલથી ઉંચે વહેવા સાથે પાટનગરમાં અનેક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. સિવિલ લાઇન્સ જેવા વિસ્તારોમાં પણ માર્ગો પર હોડીઓ ચલાવવામાં આવી રહી છે. હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. મોડી રાત્રે યમુનાનું જળસ્તર ર07.47 મીટર સુધી પહોંચી ગયું હતું.
હથીની કુંડ બેરાજમાંથી દર કલાકે એક લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી હજુ ખતરો યથાવત જ રહ્યો છે. નદીના પાણી ઘુસવાથી કાશ્મીરી ગેટથી માંડીને નહેરૂ વિહાર સુધી પાણી ઘુસી ગયા છે અને અનેક ભાગોમાં બે-બે ફુટ પાણી ભરાયા છે. લોકોને હોડી ઉપરાંત ટ્રેકટર જેવા વાહનોથી બહાર કાઢીને સરકારી સ્કુલોમાં આશરો આપવામાં આવી રહ્યો છે. એનડીઆરએફ સહિતની ટીમો બચાવ કાર્યમાં સામેલ છે.
પંજાબમાં વિનાશક હાલત સર્જાય છે. અત્યાર સુધીમાં 43 લોકોના મોત નિપજયા છે. જયારે ર1,000થી વધુને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. 4.ર4 લાખ એકરમાં પાક ડૂબી ગયો છે. એનડીઆરએફ ઉપરાંત સૈન્ય અને અર્ધલશ્કરી દળોને પણ બચાવ કાર્યમાં સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યના ર3 જિલ્લાના 190ર ગામડા પુરની ઝપેટમાં આવી ગયા છે અને 4 લાખ લોકો પ્રભાવિત છે.
રાજ્ય સરકાર દ્વારા ગામડાઓનો સંપર્ક કરવા એક-એક અધિકારીને નિયુકત કર્યા છે. હિમાચલમાં થયેલા ભારે વરસાદને કારણે સૌથી મોટા ભાખડા ડેમના જળસ્તરમાં સતત વધારો થવા સાથે ડેમનું લેવલ ડેન્જર લેવલથી માત્ર 1 ફુટ નીચે રહ્યું છે. પુર સ્થિતિની અસર લુધીયાણા સુધી થવા લાગી છે. ડેમ નબળો પડતા સૈન્યને મદદ માટે બોલાવવામાં આવી છે અને રીપેરીંગ કામ શરૂ કરાયું છે. બીજી તરફ પઠાણકોટમાં પર્વતો સરકતા હોય તેમ સતત ભૂસ્ખલન થઇ રહ્યા છે અને સંખ્યાબંધ માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
હરિયાણામાં પણ વરસાદી કહેર ચાલુ રહ્યો છે. હિસાર ચંડીગઢ તથા દિલ્હી વિસારના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાણીમાં ડૂબી જવાના કારણે માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. નદીઓ ગાંડીતુર બની હોવાના કારણે અનેક ભાગોમાં જળબંબાકાર અને પુરની હાલત સર્જાયેલી છે. માર્ગો જાણે કે નદી બની ગયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. વરસાદ અને પુરમાં પાંચ લોકોના મોત નિપજયા હતા જયારે એક વ્યકિત તણાઇ જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. વિસારના ર8, અંબાલાના 1ર8, ભીવાનીના 1પ સહિત સેંકડો ગામોમાં પુર સંકટની સ્થિતિ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં હજુ રજા જ રાખવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પંજાબ, દિલ્હી, હરિયાણા ઉપરાંત બિહાર અને ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદ ધીમો પડયો હોવા છતાં પણ પુરનું સંકટ હજુ યથાવત જ રહ્યું છે.