
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ફરી ગઇકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને મોરબી, રાજકોટ, સોરઠ, જામનગર, ખંભાળીયામાં ઝાપટાથી માંડી 2.5 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. આથી ઠેર-ઠેર ગણેશ પંડાલનાં આયોજકોમાં દોડધામ થઇ ગઇ હતી. આ સાથે ફરી જુદા જુદા જળાશયોમાં નવા નીર આવતા ડેમો છલકાવા લાગ્યા છે. દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ સમગ્ર ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઘોઘામાં અઢી ઇંચ ભાવનગર શહેર અને સિહોરમાં બે ઇંચ ઉમરાળામાં એક ઇંચ વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી ની વચ્ચે અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના ઘોઘામાં અઢી ઇંચ વરસાદ પડતા ઘોઘાનો મોસમનો કુલ વરસાદ 562 મી.મી. થઈ ગયો છે .
જિલ્લામાં સૌથી વધુ સિહોરમાં મોસમનો કુલ વરસાદ 1000 મી.મી થઈ ગયો છે. જ્યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ તળાજામાં સીઝનનો કુલ વરસાદ 569 મી.મી. થયો છે. ભાવનગર શહેરનો સીઝનનો કુલ વરસાદ 762મી.મી. થયો છે.
જે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 38 મી.મી., ઉમરાળામાં 23 મી.મી., ભાવનગર શહેર 52 મી.મી., ઘોઘા 61 મી.મી. શિહોર 51 મી.મી. ગારીયાધાર 6 મી.મી. પાલીતાણા 6 મી.મી., મહુવા 5મી.મી., તળાજા 8મી.મી. જેસર 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
તેમજ મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોથી બફારો હતો અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં ગઇકાલે સાંજના સમયે સમગ્ર મોરબી જિલ્લાની અંદર વરસાદી માહોલ બંધાયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને પાંચે પાંચ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેની જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મ્લાલે માહિતી મુજબ મોરબી જીલ્લામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ જુદા જુદા તાલુકામાં પડ્યો છે.
મોરબી શહેર અને જીલ્લામાં ગઇકાલે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આક્ષમાં વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા અને ત્યાર બાદ પાંચેય તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. અને લગભગ બે કલાક જેટલા સમયમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકામાં પોણા બે ઇંચ, માળિયા તાલુકામાં પોણા બે ઇંચ, હળવદ તાલુકામાં સવા ઇંચ, ટંકારા તાલુકામાં બે ઇંચ અને વાંકાનેર તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હજુ પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લામાં વર્ષે તેવું વાતાવરણ આજે સવારથી જોવા મળી રહ્યું છે. જયારે સોરઠમાં ભાદરવા મહિનામાં ફરી મેઘરાજાની પધરામણી થઇ હતી. ભેંસાણમાં રાત્રીના બે ઇંચ વિસાવદરમાં પોણો ઇંચ, જુનાગઢમાં અર્ધો ઇંચ, મેંદરડામાં મેઘરાજાએ વિરામ લીધો અન્યત્ર બે થી ત્રણ મીમી વરસાદ નોંધાયો.
ઘટાટોપ વાદળોથી આકાશ છવાયું, સુર્યનારાયણના દર્શન નથી. ગત રાત્રીના આઠ વાગ્યાથી સોરઠની ધરતી પર ભાદરવા માસનો વરસાદ શરૂ થતા ભેંસાણમાં બે ઇંચ, વિસાવદરમાં પોણો ઇંચ જુનાગઢમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં બેથી ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે. મેંદરડા તાલુકામાં મેઘરાજાએ આરામ લીધો હતો.
જયારે રાજકોટ જિલ્લ્ાનાં વિંછીયામાં ગત રાત્રે સખત ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને વીજળી ના કડાકા ભડાકા સાથે અંદાજે અરધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.આ વરસાદ થી ખેતી ના પાક માં ફાયદો થયો છે.સાથે વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ છે.શરૂઆત ના એક-બે સારા વરસાદ બાદ મેઘરાજા મન મૂકી વરસ્યા ન હતા!! હજુય વરસાદ આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે, તેમજ રાજકોટ શહેરમાં પણ ગઇકાલે ર1 મી.મી. (પોણો ઇંચ) જેટલો વરસાદ વરસી ગયો હતો.
ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી બે્રક રહી છે. ત્યારે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે રાત્રે આશરે 12 વાગ્યાના સમયે ખંભાળિયા વિસ્તારમાં વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ સમયે 9 મી.મી. વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા તાલુકામાં હાલ ચોમાસાની ઋતુ મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ઘણા વર્ષો પછી ખંભાળિયામાં હાલ માત્ર સાડા 18 ઈંચ (468 મી.મી.) જેટલો વરસાદ નોંધાયો છે. આ વચ્ચે નોંધનીય બાબત તો એ છે કે ખૂબ જ ઓછા વરસાદ વચ્ચે પણ ખંભાળિયાનો 20 ફૂટની કેપેસિટી ધરાવતો ઘી ડેમ ઉપરવાસના વરસાદના કારણે મહદ અંશે ભરાઈ ચૂક્યો છે અને એક જોરદાર વરસાદથી આ ડેમ ઓવરફ્લો થઈ જાય તેવું ચિત્ર પણ જોવા મળી રહ્યું છે. 18 ઈંચ જેટલા વરસાદથી ઘી ડેમમાં 20 ફૂટ જેટલું પાણી સંગ્રહિત થઈ ગયાની બાબત પણ ઐતિહાસિક મનાય છે. ગતરાત્રે ભાણવડ તાલુકામાં પણ 7 મી.મી. વરસાદ સાથે કુલ સાડા 27 ઈંચ (689 મી.મી.) વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકા તાલુકામાં મોસમનો કુલ સાડા 32 ઈંચ (812 મી.મી.) અને કલ્યાણપુર તાલુકામાં મોસમનો કુલ સાડા 43 ઈંચ (1076 મી.મી.) વરસાદ નોંધાયો છે. આમ, એકંદરે જિલ્લામાં નદી-નાળા તરબતર હોય, પાક પાણીની પરિસ્થિતિ સારી છે.