
કેન્દ્ર સરકારે ગુરુવારે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ વગેરે શહેરોમાં 24 રૂપિયે કિલોના સબ્સીડાઈઝ (રાહત) દરે ડુંગળીનું વેચાણ શરૂ કરી દીધું છે. આનો ઉદેશ એ છે કે ગ્રાહકને સસ્તા ભાવે ડુંગળી મળી શકે. મોબાઈલ વાનને લીલી ઝંડી દેખાડયા બાદ કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે આ શહેરોમાં બફર સ્ટોકથી લગભગ 25 ટન ડુંગળી સહકારી એજન્સીઓના માધ્યમથી વેચવામાં આવશે. જોષીએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ડુંગળીના રિટેલ કિંમત 30 રૂપિયા કિલોથી વધુ છે ત્યાં 24 રૂપિયે કિલો ડુંગળી વેચવામાં આવશે. સબસીડીવાળી ડુંગળી આજથી ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકાતામાં પણ વેચવામાં આવશે અને તે ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
અધિકૃત આંકડા મુજબ ગુરુવારે પુરા ભારતમાં ડુંગળીની સરેરાશ રિટેલ કિંમત 28 રૂપિયા કિલો હતી, જયારે કેટલાક શહેરોમાં આ ભાવ 30 રૂપિયાથી વધુ હતો. હાલ સરકાર પાસે ત્રણ લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે. તેને 2024-25 દરમિયાન સરેરાશ 15 રૂપિયા કિલોની કિંમત પર પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ (પીએસએફ) યોજના અંતર્ગત ખરીદવામાં આવી હતી. જોષીએ જણાવ્યું હતું કે બફર સ્ટોકથી ડુંગળીની વ્યવસ્થિત અને લક્ષિત નિકાલ ખાદ્ય મોંઘવારીને નિયંત્રીત કરવા અને એક સ્થિર મૂલ્ય જાળવી રાખવાના સરકારના પ્રયાસોનું એક અભિન્ન અંગ છે. તેમણે કહ્યું હતું કે સરકારની પ્રાથમીકતા ખાદ્ય મોંઘવારીને નિયંત્રણમાં રાખવાની છે. ગ્રાહક મામલાની સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસ પર કોઈ ચાર્જ કે પ્રતિબંધ નથી લગાવાયો અને નિકાસની ગતિ સ્થિર છે.