
ઓસ્ટ્રેલિયામાં જીવલેણ હુમલાનો ભોગ બનેલો એક ગુજરાતી સ્ટૂડન્ટ હવે હોસ્પિટલનું 14 હજાર ડોલરનું બિલ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આર્કિન શાહ નામના 25 વર્ષના આ ગુજરાતી પર બે મહિના પહેલા મેલબોર્નના કાર્નેગીમાં જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરોએ તેને માર મારવાની ઈરાદે ધારદાર હથિયારથી જીવલેણ ઈજા પહોંચાડી હતી તેમજ તેનું સ્કૂટર પણ લૂંટી લેવામાં આવ્યું હતું. આર્કિન શાહે જણાવ્યું હતું કે તેના પર અનેકવાર ચાકૂથી હુમલો કરાયો હતો અને આ ઘટનાથી તે આજે પણ આઘાતમાં છે. ખાસ તો તે પોતાની ઈજાને જ્યારે પણ જુએ છે ત્યારે હુમલાખોરને યાદ કરીને ફફડી જાય છે. અટેક પહેલા આર્કિન શાહ વુલવર્થ્યમાં વીકમાં પાંચ દિવસ કામ કરતો હતો પરંતુ હાલ તેની પાસે કોઈ જોબ નથી અને મેલબોર્નમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર આધારિત રહેવું પડે છે.
બે મહિના પહેલા રાતના અંધારામાં થયેલા અટેક અંગે આ ગુજરાતીએ જણાવ્યું હતું કે અટેકરે તેને પહેલા તો માર્યો હતો અને પછી ચાકૂથી અટેક કર્યા બાદ સ્કૂટર લઈને તે નાસી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે લોહીલૂહાણ હાલતમાં રસ્તા પર પડેલા આર્કિનને ત્યાંથી પસાર થતા એક ડિલિવરી ડ્રાઈવરે બચાવ્યો હતો. તેણે ઈમરજન્સી નંબર પર ફોન કર્યા બાદ આર્કિન સુધી મદદ પહોંચી હતી.ઓસ્ટ્રેલિયામાં પોતાના ખર્ચા કાઢવા માટે જોબ કરતા આ યુવકને હવે દિવસેને દિવસે વધી રહેલા મેડિકલ બિલનું પેમેન્ટ કઈ રીતે થશે તેની ચિંતા સતાવી રહી છે અને જો તેનો કોઈ ઉકેલ ના આવ્યો તો કદાચ તેને મેલબોર્નમાં ભણવાનું પણ પડતું મૂકવું પડી શકે છે.