ઙિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ખાનગી દુકાનમાં નોકરી કરતા કમલેશભાઈ વ્યાસ સાથે થયેલી ૯,૨૩,૭૫૦ રૂપિયાની છેતરપિંડીએ આ જોખમની ગંભીરતા દર્શાવી છે. સરકાર અને પોલીસ દ્વારા અજાણી લિંક કે ઓટીપી શેર ન કરવાની વારંવાર ચેતવણી હોવા છતાં, સાયબર ગુનેગારો નવી યુક્તિઓથી લોકોને શિકાર બનાવી રહ્યા છે.
ફાઈલ ખોલતાં જ તેમનો મોબાઈલ હેક થયો
જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કમલેશભાઈને અજાણ્યા મોબાઈલ નંબર પરથી આરટીઓની એપ્લિકેશન ફાઈલ મળી, જેને તેઓએ બાઈકનો ઈ-મેમો સમજી ડાઉનલોડ કરી. આ ફાઈલ ખોલતાં જ તેમનો મોબાઈલ હેક થયો, અને થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી ૯,૨૩,૭૫૦ રૂપિયા ઉપડી ગયા હતાં.
ખાતામાંથી એફડીના 5 લાખ રૂપિયા તોડી લીધા
સાયબર ગુનેગારોએ કમલેશભાઈના ખાતામાંથી એફડીના ૫ લાખ રૂપિયા તોડી લીધા અને તેમના નામે ૧,૪૭,૩૧૪ રૂપિયાની લોન મંજૂર કરાવી, તે રકમ પણ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ ઘટનાએ ડિજિટલ સુરક્ષાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી, તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. નાગરિકોને અજાણી લિંક કે ફાઈલ ડાઉનલોડ ન કરવા અને સાયબર સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા પોલીસે અપીલ કરી છે.