
કડીનો અર્થ “કઠિન” અથવા “મજબૂત કિલ્લો” પ્રાચીન સમયમાં અહીં મજબૂત ગઢ (કિલ્લો) હતો, જેના આધારે આ શહેરનું નામ “કડી” પડ્યું હોવાનું માનવામાં આવે છે. કેટલાક ઈતિહાસકારોના મતે “કડી” શબ્દ સંસ્કૃતના “કૃડી” પરથી આવ્યો છે, જેનો અર્થ પાણીના કિનારે વસેલું ગામ એવો થાય છે બીજી માન્યતા પ્રમાણે આ વિસ્તારમાં “કડીયાર” (પથ્થર) મોટા પ્રમાણમાં મળતા હોવાથી તેને “કડી” કહેવામાં આવતું.
ગાયકવાડોએ 1721માં બરોડામાં શાસન સ્થાપ્યું અને વિસ્તરતા પ્રદેશ માટે પાટણમાં વહીવટી ચોકી શરૂ કરવાનો વિચાર કર્યો. પરંતુ અંતે તેમણે કડીને કેન્દ્ર બનાવ્યું, જેનો પુરાવો માલવરાજ ગાયકવાડનો કિલ્લો આપે છે. થોડા સમય બાદ મુખ્ય મથક મહેસાણા ખસેડાતા કડીનું મહત્વ ઘટ્યું. સ્વતંત્રતા સુધી કડી ગાયકવાડોના શાસન હેઠળ રહ્યું.
મહારાજા ખંડેરાવ ગાયકવાડનું નિયમ હતો કે તેઓ શિવજીની પુજા કર્યા વિના પાણી પણ પીતાં નહીં. તેઓ અલદેસણ નજીક આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે રોજ આરાધના કરવા જતા. એક વખત અમરેલી પ્રાંતથી પરત ફરતી વખતે રાત્રિ થઈ જતા પુજા સમયસર થઈ શકી નહીં.છતાં પણ તેમણે નિયમનું પાલન કરવા અલદેસણ પહોંચીને પુજા કરી.
આ પ્રસંગ બાદ તેમણે કડીમાં શિવમંદિર બાંધવાનો સંકલ્પ લીધો. તે જ રાત્રે સ્વપ્નમાં શિવજીએ દર્શન આપીને કહ્યું કે દુધેશ્વર મહાદેવથી પૂર્વ દિશામાં જવા કહ્યું ત્યાં તેમને સ્વયંભૂ શિવલીંગ પ્રાપ્ત થશે. બીજા દિવસે ખંડેરાવ મહારાજા પોતાના સૈનિકો સાથે પૂર્વ દિશામાં વિજાપુર તરફ નીકળ્યા. માર્ગમાં જવના ખેતરમાંથી કુદરતી રચનાવાળું શિવલીંગ પ્રગટ થયું. સંસ્કૃતમાં જવને “યવ” કહેવામાં આવે છે, તેથી આ મહાદેવનું નામ યવતેશ્વર મહાદેવ પડ્યું.
રાજા મલ્હારરાવ ન્યાયપ્રિયતા અને પ્રજાપ્રેમ માટે જાણીતા હતા. કહેવાય છે કે એક ભરવાડ દંપતી દૂધમાં પાણી ભેળવતા ઝડપાયા, જેને પ્રજાની છેતરપિંડી માનવામાં આવી. આ ગુનાની કડક સજા રૂપે રાજાએ તેમને જીવતા ચણી દેવાનો આદેશ આપ્યો, જેથી બીજાઓને ચેતવણી મળે. આજેય તે સ્થળના નિશાન જોવા મળે છે.
કડી આજના સમયમાં શૈક્ષણિક, ઔદ્યોગિક અને વેપારી શહેર તરીકે ઓળખાય છે. અહીં પ્રાચીન જૈન મંદિરો, વૈષ્ણવ મઠો અને જૂના કિલ્લાની અવશેષો આજે પણ જોવા મળે છે. કડીમાં દર વર્ષે વિવિધ મેળાઓ, ખાસ કરીને ધાર્મિક મેળાઓ યોજાય છે.
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.
વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)