
રવિવારે રશિયાએ યુક્રેન પર પોતાનો સૌથી મોટો હવાઈ અને ડ્રોન હુમલો કર્યો. અહેવાલો અનુસાર, સરકારી ઈમારત પર હુમલા બાદ આગ લાગી હતી. આ ઈમારતમાં યુક્રેનિયન પીએમ ઓફિસ સહિત અનેક મહત્ત્વપૂર્ણ ઓફિસો આવેલી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશભરમાં થયેલા હુમલામાં એક બાળક સહિત ચાર લોકો માર્યા ગયા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ કિવમાં મુખ્ય સરકારી ઇમારતને નિશાન બનાવી હતી. સાડા ત્રણ વર્ષના યુદ્ધમાં આવું પહેલી વાર બન્યું છે. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ 805 ઈરાની બનાવટના શાહેદ ડ્રોન અને ડેકોય, તેમજ 17 ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરી હતી. બદલો લેવા માટે, યુક્રેને રશિયાની દુઝબા પાઇપલાઇન પર ડ્રોન હુમલો કર્યો, જે રશિયાથી હંગેરી અને સ્લોવાકિયાને તેલ સપ્લાય કરે છે.
યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ નવ મિસાઇલો અને 56 ડ્રોનથી 37 સ્થળોએ હુમલો કર્યો. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર કહ્યું, ‘આ હત્યાઓ એવા સમયે ઇરાદાપૂર્વકનો ગુનો છે જ્યારે વાટાઘાટો ઘણા સમય પહેલા શરૂ થઈ શકી હોત. આ યુદ્ધને લંબાવવાનો પ્રયાસ છે.’ તેમણે હુમલાઓને રોકવા માટે વિશ્વ પાસેથી મદદ માંગી.
તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે યુક્રેનના લશ્કરી-ઔદ્યોગિક સંકુલ અને પરિવહન માળખા પર હુમલો કર્યો છે, જેના કારણે શસ્ત્રો અને લશ્કરી સાધનોના ગોદામોને નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુક્રેન રશિયન રિફાઇનરીઓને નિશાન બનાવી રહ્યું છે, તો રશિયા સામાન્ય યુક્રેનિયનોને નિશાન બનાવી રહ્યું છે.
યુક્રેનિયન પીએમ યુલિયા સ્વેર્ડેન્કોએ રશિયાના હુમલાનો સામનો કરવા માટે વધુ શસ્ત્રોની માંગણી કરી અને વૈશ્વિક સમુદાયને રશિયન હુમલાઓનો જવાબ આપવા હાકલ કરી.
તેમણે કહ્યું, ‘આપણે ઇમારતો ફરીથી બનાવી શકીએ છીએ, પરંતુ ગુમાવેલા જીવ પાછા લાવી શકાતા નથી.’ કિવના મેયર વિઆટલી ક્લિત્સ્કોએ જણાવ્યું હતું કે હુમલામાં ડાર્નિટ્સ્કી જિલ્લામાં ચાર માળના એપાર્ટમેન્ટને નુકસાન થયું હતું અને ત્યાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.