જાપાનના વડાપ્રધાને રાજીનામું આપ્યું

Spread the love

 

જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ રવિવારે રાજીનામું આપ્યું. શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)માં વિભાજન ટાળવા માટે ઇશિબાએ આ પગલું ભર્યું છે. જાપાની મીડિયા NHKએ આ સમાચાર આપ્યા છે. ઇશિબાની ગઠબંધન સરકાર જુલાઈમાં યોજાયેલી ઉપલા ગૃહ (હાઉસ ઓફ કાઉન્સિલર્સ)ની ચૂંટણી હારી ગઈ. ઇશિબાએ તાજેતરમાં આ માટે માફી માગી હતી અને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવાનો નિર્ણય લેશે. ચૂંટણીમાં હાર બાદ LDPમાં ‘ઇશિબાને દૂર કરો’ ચળવળ વધુ તીવ્ર બની હતી. પાર્ટીના કેટલાક નેતાઓ અને સાંસદોએ તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા, જેના કારણે તેમની સ્થિતિ નબળી પડી હતી. હવે તેમને હટાવ્યા પછી, LDPમાં નવા નેતૃત્વ માટેની દોડ શરૂ થશે.
જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં ઇશિબાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને તેના સાથી પક્ષોએ દેશના ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવી દીધી હતી. જોકે, તે સમયે તેમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે. જાપાની સંસદના ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે. ઇશિબાના ગઠબંધન પાસે પહેલાથી જ 75 બેઠકો હતી. બહુમતી જાળવી રાખવા માટે તેમને આ ચૂંટણીમાં ઓછામાં ઓછી 50 નવી બેઠકોની જરૂર હતી, પરંતુ તેઓ ફક્ત 47 બેઠકો જ મેળવી શક્યા. આમાંથી, LDPને 39 બેઠકો મળી. આ હાર પીએમ ઇશિબા માટે બીજો મોટો રાજકીય આંચકો હતો. ઓક્ટોબરમાં નીચલા ગૃહની ચૂંટણીમાં હાર્યા બાદ, ગઠબંધન હવે બંને ગૃહોમાં લઘુમતી બની ગયું હતું. 1955માં LDPની સ્થાપના થઈ ત્યારથી, આ પહેલીવાર છે જ્યારે તેણે બંને ગૃહોમાં બહુમતી ગુમાવી છે.
જાપાનમાં ઓક્ટોબર 2024માં યોજાયેલી ચૂંટણીમાં LDP-કોમેઇટો ગઠબંધનને 465 માંથી માત્ર 215 બેઠકો મળી હતી. અહીં બહુમતી માટે 233 બેઠકો જરૂરી છે. LDP સૌથી મોટો પક્ષ રહ્યો. અન્ય કોઈ ગઠબંધન સરકાર બનાવવાની સ્થિતિમાં નહોતું. મુખ્ય વિપક્ષી પાર્ટી CDPJને 148 બેઠકો મળી. બાકીના વિપક્ષી પાર્ટીઓ એકબીજામાં વહેંચાયેલા છે. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માગતો હતો, પરંતુ ઇશિબાએ ચેતવણી આપી હતી કે જો આવું થશે, તો તેઓ સંસદ ભંગ કરશે અને નવી ચૂંટણીઓ યોજશે. જેના કારણે વિપક્ષ પીછેહઠ કરી. હવે ઇશિબા ડીપીપી જેવા નાના પક્ષોનો ટેકો લઈને બિલો પસાર કરાવી રહી છે. તેઓ બજેટ, સબસિડી અને કર સુધારણા જેવા મુદ્દાઓમાં કેટલાક વિપક્ષી નેતાઓને મનાવવામાં સફળ રહ્યા છે. આનો અર્થ એ થયો કે પીએમને હવે સરકાર ચલાવવા માટે વિપક્ષના સમર્થનની જરૂર છે અને આ સૌથી મોટું સંકટ છે.
આ ચૂંટણી એવા સમયે થઈ હતી જ્યારે જાપાનમાં ફુગાવો વધી રહ્યો હતો અને લોકો યુએસ ટેરિફ અંગે ચિંતિત હતા. બીબીસીના અહેવાલ મુજબ, આ મુદ્દાઓ પર શાસક ગઠબંધન સામે નારાજગી જોવા મળી હતી. ચૂંટણીમાં હાર છતાં, વડાપ્રધાન ઇશિબાએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ દેશ માટે કામ કરવાનું ચાલુ રાખશે અને યુએસ ટેરિફ જેવા મુદ્દાઓનો સામનો કરવાનો પ્રયાસ કરશે. જોકે, ઉપલા ગૃહમાં બહુમતી ગુમાવનારા છેલ્લા ત્રણ વડાપ્રધાનોએ બે મહિનામાં રાજીનામું આપી દીધું. આનાથી ઇશિબા પર દબાણ વધ્યું.
ઇશિબાએ આ મહિને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપ્યું હતું જેમાં જાપાની ઓટોમોબાઇલ પરના ટેરિફ 25%થી ઘટાડીને 15% કરવામાં આવ્યા હતા. રોકાણકારોએ આ સોદો જાપાનના ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે ફાયદાકારક માન્યો હતો. જોકે, આ સોદો થયો હોવા છતાં, ઈશિબાની રાજકીય સ્થિતિ મજબૂત થઈ શકી નહીં. આ પગલું જાપાની ઓટો ઉદ્યોગ માટે ખાસ કરીને ટોયોટા અને હોન્ડા જેવી કંપનીઓ માટે મોટી રાહત તરીકે આવે છે, કારણ કે આ ક્ષેત્ર જાપાનના અર્થતંત્રમાં લગભગ 8% હિસ્સો ધરાવે છે. બદલામાં જાપાને યુનાઇટેડ સ્ટેટ્સમાં $550 બિલિયનનું રોકાણ કરવાનું અને ચોખા, મકાઈ અને સોયાબીન જેવા અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી વધારવાનું વચન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *