
કેરળના તિરુવનંતપુરમ બેઠકના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની મધુર ‘મોદી ભક્તિ’ નો ફરી એકવાર ગણગણાટ થયો છે. ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથેના સંબંધો રીસેટ કરવાના નિવેદન મામલે એએનઆઈ સાથેની વાતચીતમાં કોંગ્રેસ સાંસદ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબની પ્રશંસા કરી છે.
થરૂરે રવિવારે કેરળના તિરુવનંતપુરમમાં ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું- મને નથી લાગતું કે આપણે 50% ટેરિફ અથવા રાષ્ટ્રપતિ અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા અપમાનને સંપૂર્ણપણે ભૂલી શકીએ. ટ્રમ્પનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે, અને તેમણે જે કહ્યું છે તેનાથી આપણા દેશને નુકસાન થયું છે. દેશનું અપમાન થયું છે. ભારત અને પીએમ મોદી સાથેના સંબંધો રીસેટ કરવા અંગે ટ્રમ્પના નિવેદન પર પીએમ મોદીના જવાબનું કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સ્વાગત કર્યું છે. જોકે, તેમણે ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદીને ખૂબ જ સાવધાની સાથે પગલાં ભરવાની સલાહ પણ આપી છે.
ખરેખરમાં, ટ્રમ્પે 5 સપ્ટેમ્બરે કહ્યું હતું કે આપણે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધા છે. થોડા કલાકો પછી, તેમણે પીએમ મોદીને એક મહાન વડાપ્રધાન અને તેમના મિત્ર કહ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું- હું હંમેશા ભારત સાથે સંબંધો રીસેટ કરવા માટે તૈયાર છું. આ મામલે પીએમ મોદીએ અમેરિકાને જવાબ આપતા કહ્યું કે હું ટ્રમ્પની ભાવનાઓનું સન્માન કરું છું.
થરૂરે કહ્યું- વડાપ્રધાન મોદીએ તાકિદે પ્રતિક્રિયા આપી અને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ મૂળભૂત સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો, જે એક વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દ્વારા આપવામાં આવેલ મેસેજ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.