
અમદાવાદ શહેરમાં ગતરોજ મેઘરાજાએ કહેર વર્તાવ્યો હતો. શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતાં અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો હતો. જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોક-વે પર પાણી ફરી વળ્યા હતા. વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. શહેરમાં 4 સ્થળે મકાનો ધરાશાયી થયા હતા તેમજ બે લોકોને ઇજા પહોંચી હતી અને જ્યારે ગાંધી બ્રિજ પાસેનો અંડરપાસ વાહનો માટે બંધ કરાયો હતો. છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ વરસાદ છેલ્લા બે વર્ષમાં પડ્યો છે. અમદાવાદમાં 1 જૂનથી 7 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 110 ટકા(39.73 ઇંચ) વરસાદ થઈ ગયો.