
ગુજરાતમાં સતત ચોથા વર્ષે મેઘરાજાએ ‘સેન્ચુરી’ ફટકારી છે. 7 સપ્ટેમ્બર સુધીમાં જ રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના ચાર તાલુકા તો એવા છે, જ્યાં સિઝનમાં 100-100 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વર્ષે ગુજરાતમાં ઝોનવાઈઝ વરસેલો વરસાદ, સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ વરસ્યો હોય એ તાલુકા, ડેમના જળસ્તરની સ્થિતિ અને વરસાદની અન્ય વિગત જે તમે જાણવા માગો છે એ તમામની આ સ્ટોરીમાં આગળ વાત કરીશું.
ગુજરાત પર છેલ્લાં ચાર વર્ષથી મેઘરાજા મહેરબાન છે. રાજ્યમાં 2022થી સતત સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વર્ષે પણ 7 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ઝોનમાં 107 ટકા જ્યારે સૌથી ઓછો કચ્છ ઝોનમાં 99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ચાર વર્ષ સરેરાશ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 2024માં રાજ્યમાં સરેરાશ સામે 143 ટકા વરસાદ વરસ્યો હતો, જ્યારે 2021માં સરેરાશ સામે 98 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષની વાત કરીએ તો સિઝનમાં સરેરાશની સામે 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. 2024માં 27 ઓગસ્ટે જ રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. એની સામે આ વર્ષે 7 સપ્ટેમ્બરે સરેરાશની સામે 100 ટકા વરસાદ નોંધાયો.
રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કૂલ જળસંગ્રહ ક્ષમતાની સામે 91 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 84 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જેમાં 123 ડેમ હાઈએલર્ટ પર, 20 એલર્ટ પર અને 14 વોર્નિંગ પર છે. રાજ્યના મુખ્ય જળાશયોની સ્થિતિને નીચે ગ્રાફિક્સની મદદથી સમજીએ.
ગુજરાતમાં ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તંત્રને લોકોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. 1 જૂન 2025થી આજદિન સુધીમાં રાજ્યમાં કૂલ 1045 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે 5598 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.