
જો તમારે સરકારી યોજના અંતર્ગત મળતા મકાનો અપાવવા માટે કોઈ પોતાની ઓળખાણ છે અથવા સસ્તામાં અપાવી દઈશ એવું કહે તો ચેતી જજો, કારણ કે સરકારી યોજનાના મકાનો અપાવવાના નામે લોકો પાસેથી પૈસા લઈને ગઠિયાઓ ફરાર થઈ જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં અંબાલાલ ટાવર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અને દુકાન અપાવવાની લાલચ આપીને ખોટી રસીદો આપી હતી. લોકોના લાખો રૂપિયા લઇ બંટી બબલી ફરાર થઈ ગયા છે. જ્યારે ગાંધીનગરમાં મકાન અપાવવાના બહાને રોકડ અને ઓનલાઇન પેટે પણ રૂ. 9 લાખ લઈને ગુડાના નકલી ડોક્યુમેન્ટ મોકલી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદો નોંધાઈ છે. જે મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં પુરબિયાવાડમાં ઝોહરા કુરેશી તેમના પરિવાર સાથે રહે છે. તેમની ભાણી રેહાના બાનુ જુહાપુરાના સંકલિત નગરમાં રહે છે. પાંચેક વર્ષ પહેલાં ઝોહરા જ્યારે તેમની ભાણીના ઘરે ગયા હતા ત્યારે સંકલિત નગરમાં જ રહેતા અનવરભાઈ સિપાઈ અને તેમની પત્ની શાઈનબાનુ સાથે તેમની ઓળખાણ થઈ હતી.
શાઈનબાનુએ જણાવ્યું હતું કે જો તમારે ફતેવાડી અંબર ટાવર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા સરકારી મકાનો અને દુકાન લેવા હોય તો મને કહેજો મારા નણદોઈ હાઉસિંગ બોર્ડમાં મોટા સાહેબ છે તમને અપાવી દઈશ. ત્યારબાદ ઝોહરાના પરિવારના સભ્યો પણ શાઈનબાનુના ઘરે આ બાબતે વાતચીત કરવા માટે ગયા હતા. બંને પતિ પત્નીએ જણાવ્યું હતું કે અમારી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સારી ઓળખાણ છે. મકરબા ખાતે ચાલતી સ્કીમમાં તમને મકાન દુકાન લેવી હોય તો મળી જશે. જેથી પરિવારના સભ્યોએ ચાર મકાન અને બે દુકાન લેવાનું નક્કી કર્યું હતું. જે પેટે એક લાખ 80 હજાર રૂપિયા ડિપોઝિટના રોકડા આપી દીધા હતા. તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની રસીદ પણ આપવામાં આવી હતી.
તેઓએ કહ્યું હતું કે મકાનનું બાંધકામ ચાલુ છે. જ્યારે મકાન બનીને તૈયાર થઈ જશે ત્યારે અપાવી દઈશ અને બાકીના પૈસા જ્યારે મકાન મળે ત્યારે આપવાના રહેશે. બાદમાં માર્ચ 2025માં ગુજરાત હાઉસિંગ બોર્ડની ખોટી રસીદો ફાડીને આપી છે. જેથી જ્યારે શાઈનબાનુ પાસે ગયા તો તેમણે હું પૈસા લઈને ભાગી નહીં તો કહેતા હોય તો નોટરી કરાવી દઉં. જેથી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી પણ કરાવ્યું હતું.
બાદમાં ચાર મહિના પછી પણ પૈસા ન આપતા તેમના ઘરે જોવા જતા ઘર બંધ હતું. તેમના દીકરી અને ફોન કરીને પૂછતા તેમણે ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. તેમના દીકરાએ પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને પતિ પત્નીએ આ રીતે લોકો પાસેથી પૈસા ઉઘરાવી અને છેતરપિંડી કરી હોવા નું સામે આવ્યું હતું. બંને પતિ પત્ની નો મોબાઇલ બંધ હતો અને તેમના દીકરા અને દીકરીએ ધમકી આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઝોહરા કુરેશીએ બંને પતિ-પત્ની અને તેમના દીકરા દીકરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી સેક્ટર-5માં રહેતા ભૌમિક પટેલને પણ ગાંધીનગર ખાતે મકાન અપાવવાનું કહી 9 લાખ રૂપિયા પડાવ્યા હતા. ગુડાના ખોટા લેટર ઉપર પોસ્ટ કરી અને વિશ્વાસ અપાવ્યો હતો. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. ભૌમિક પટેલની ઓળખાણ નિકોલ વિસ્તારમાં રહેતા ચેતન વેકરીયા નામના વ્યક્તિ સાથે તેમના મામાના દીકરાના મિત્ર તરીકે થઈ હતી.
કારગીલ ચાર રસ્તા પાસે આવેલા પ્રજાપતિ લાઈવ ઢોકળા નામની દુકાને ચા નાસ્તો કરવા માટે ભેગા થતા હતા દરમિયાનમાં ડિસેમ્બર 2023માં ચેતનકુમારે જણાવ્યું હતું કે મેં અને મારા બનેવીનું ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના મકાનનું ફોર્મ ભર્યું છે અને અમને લગભગ મકાન લાગી જશે. જો તમારે લેવું હોય તો કહેજો જેથી ભૌમિકે તેમનું અને તેમના ભાઈનું ફોર્મ ભરવા માટે 7700 ફોર્મ ફી પેટે આપ્યા હતા. બાદમાં ભૌમિકના ભાઈ ધવલ પટેલના નામે તેમના વતનમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની એક ટપાલ મળી હતી. જેથી તેનો ફોટો પાડી ચેતનભાઈને મોકલતા હું આ બાબતે તપાસ કરી દઉં છું.
ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે તમારા ભાઈને સરગાસણ ગાંધીનગર ખાતે એક મકાન લાગ્યું છે, જે માટે ગુડા ભવન ગાંધીનગર ખાતે વાત કરેલી છે. તેમણે કહ્યું કે મકાનની ફાળવણી બાકી છે મારે સેટિંગ છે જેથી તમને મકાન મળી જશે. તેઓએ ભૌમિકભાઇને વિશ્વાસ અપાવીને બીજા ફોર્મના પૈસા આપ્યા હતા. ત્યારબાદ તમારા ભાઈને મકાન લાગ્યું છે જેના મેન્ટેનન્સ પેટે 51000 આપવાનું કહેતા તેમણે ઓનલાઈન ભર્યા હતા. બાદમાં દસ્તાવેજ પહેલાં છ લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહેતા અલગ અલગ સમયે ઓનલાઈન અને ટુકડે ટુકડે રોકડા એમ પૈસા આપ્યા હતા.
ત્યારબાદ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની એક ટપાલ મળી હતી. જેમાં એક મકાનની ફાળવણી થઈ હોવાનું લખ્યું હતું. એપ્રિલ 2025ના રોજ જ્યારે પુરાવા સાથે હાજર રહેવાનું છે ત્યારે ચેતનભાઇને ફોન કરતા મોબાઇલ ફોન બંધ આવતો હતો. બાદમાં ભૌમિક પટેલ ગુડા ભવન ખાતે જતા આવી કોઈ ટપાલ મોકલવામાં આવી નથી, તેવું જાણવા મળ્યું હતું. જેથી છેતરપિંડી થઈ હોવા અંગેની જાણ થતાં આ બાબતે તેઓએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચેતન વેકરીયા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે