
ભારત સરકારના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના કૌભાંડનો રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દુકાન ભાડેથી રાખીને ટોળકીના બે શખ્સો આ કૌભાંડ ચલાવતા હતા. પોલીસે હાલ એક આરોપીને ઝડપ્યો છે જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. અત્યાર સુધીમાં ખોટા આવકના દાખલા ઉપર અલગ અલગ જગ્યાના રહેવાસી 40 જેટલા લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્માન કાર્ડ માટે આવકના ખોટા દાખલ બનાવી આપીને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવતી હોવા અંગેની બાતમી મળતા રામોલ પીઆઇ વી.ડી.મોરી અને સ્ટાફ દ્વારા દુકાનમાં દરોડા પાડીને દુકાન માલિક ધીરજ રાજપૂત (ઉ.33 રહે, વસ્ત્રાલ)ની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી તે અને તેનો મિત્ર કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિ( રહે,ઓઢવ) સાથે મળીને ભાગીદારીમાં બે વર્ષ પહેલા દુકાન ચાલુ કરી હતી. તેઓ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરતા હતા. પરંતુ તેમની પાસે આવતા લોકો પૈકી ઘણાંની આવક રૂપિયા ચાર લાખ કરતા વધારે હોવાથી આયુષ્માન કાર્ડ કાઢવું અશક્ય બનતુ હતુ. આથી ધીરજભાઈ અને કિશોરભાઈ આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે રામોલ પોલીસે ધીરજ જીતેન્દ્રભાઈ રાજપૂત (ઉ.34 રહે,અર્પણ બંગ્લોઝ રામોલ-વસ્ત્રાલ) કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિ (રહે,ઓઢવ)ની ધરપકડ કરીને ફરાર દીપક આહિર (રહે,સૂરત)ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.