અનરાધાર વરસાદ વરસ્યો : શહેેરમાં એક રાતમાં 3.5 ઇંચ વરસાદ

Spread the love

 

સતત બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે. તેમાં ગત શનિવારની રાત્રે અને રવિવારે બપોર સુધીમાં નગરમાં કુલ-3.25 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગત શનિવારે દિવસ દરમિયાન 15 મીમી વરસાદ પડ્યો હતો. જેથી છેલ્લા બે દિવસમાં નગરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.
સીઝનનો નગરમાં કુલ વરસાદનો આંકડો 20 ઇંચ થયો છે. ભારે વરસાદની આગાહી અને સાબરમતી નદીમાં પૂરની સ્થિતિને પગલે બચાવ અને રાહતની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. શ્રાવણ માસમાં છુટાછવાયા નહીવત વરસાદી ઝાપટા પછી ભાદરવા માસના આગમનની સાથે જ મેઘરાજા ગત માસનો વરસાદનો ક્વોટા પૂરા કરવાની તૈયારીમાં હોય તેમ રાજ્યની ઉપર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઇ હતી.
વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે શનિવાર અને રવિવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં કરી હતી. તેમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ અને ગાંધીનગરને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
જોકે હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ સતત બે દિવસ વરસાદની ધમાકેદાર બેટીંગ કરીને 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમાં ગત શનિવારે આખો દિવસ ધીમી ધારે વરસાદ પડ્યા બાદ શનિવાર રાત્રે અને રવિવારે સવારથી બપોર સુધી મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા 3.25 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગત શનિવારે આખો દિવસ 15 મીમી વરસાદ પડતા બે દિવસમાં કુલ-4 ઇંચ વરસાદ પડ્યો છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. તેમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા હરસોલી ગામના 23 લોકોનું સરકારી પ્રાથમિક શાળામાં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમાં કુલ-23 લોકોમાંથી 10 પુરૂષો, 9 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. સ્થળાંતર કરાયેલા લોકોને ભોજન, પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી છે.
ગાંધીનગર માં 24 કલાક કરતા પણ વધુ સમય સુધી સતત વરસાદ ચાલુ રહેતા શહેર નાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મહાત્મા મંદિર ની સામે આવેલો વાવોલ જવાનો અંડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમ છતાં તંત્ર દ્વારા વાહન વ્યવહાર ચાલુ રાખતા વાહન ચાલકો જોખમી રીતે અહીંથી પસાર થતા હતા ત્યારબાદ અહીંથી વાહનો અટકાવી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દહેગામ નગરપાલિકા વિસ્તારમાં ખજુરીવાસમાં રહેતા સ્થાનિક લોકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત પરિવારોના આરોગ્યની જાણવણી માટે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કરીને જરૂરી દવા આપવામાં આવી હતી. ઉપરાંત જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ પાણી, ભોજન સહિતની સુવિધા દહેગામ નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે મનપા વિસ્તારના જુનાકોબા ગામના દંતાલી વાસમાં રહેતા 69 લોકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. તેમાં 17 પુરૂષો અને 17 સ્ત્રીઓ તેમજ 35 બાળકોનો સમાવેળ થાય છે. સ્થળાંતરીત કરાયેલા પરિવારોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જેમાં ભોજનની વ્યવસ્થા, સ્વચ્છતા જાળવવા માટે સેનિટેશન સ્ટાફની નિયુક્ત અને અન્ય પાયાની જરૂરીયાતોનું પણ ધ્યાન રાકવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *