
છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કલેક્ટર મેહુલ કે. દવેના નેતૃત્વ હેઠળ નાગરિકોની સુરક્ષા અને સુવિધા જાળવવા માટે વિવિધ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, દહેગામ પંથકમા માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. શાહપુર બ્રિજ સહિત તમામ મુખ્ય બ્રિજ પર હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અઘટિત ઘટનાને ટાળી શકાય. આ ઉપરાંત, ફાયર વિભાગના જવાનોએ નદીકાંઠાના વિસ્તારોમાં પી.એ. સિસ્ટમ દ્વારા ગ્રામજનોને નદીના પટમાં ન જવા માટે સતત ચેતવણી આપી રહ્યા છે.
વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ઝાડ પડવાની ઘટનાઓ બની છે. સરગાસણ અને તારાપુર વચ્ચેના એસ.જી. હાઇવે પર તેમજ એસ.પી. ઓફિસ પાસે રોડ નંબર 7 પર ધરાશાયી થયેલાં મોટાં ઝાડને વન વિભાગ દ્વારા તાત્કાલિક હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. આ કામગીરીથી મુખ્ય માર્ગો પરની અવરજવર ફરી સરળ બની છે.
કલોલ નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા પણ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલોલ ઓવરબ્રિજ નીચે, માધુપુર રોડ, વખારિયા ચોક, મામલતદાર કોર્ટ અને જેપી ગેટ જેવા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટેની કામગીરી જોરશોરથી ચાલી રહી છે, જેથી સ્થાનિક લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
ગાંધીનગર શહેરના વાવોલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હોવા છતાં લોકો જોખમી રીતે તેમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા આ મામલે પણ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી આવા જોખમી સ્થળો પર અવરજવર અટકાવી શકાય. કલેક્ટર મેહુલ કે. દવે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ટેલિફોનિક સૂચનાઓ ઉપરાંત રૂબરૂ સ્થળોની મુલાકાત લઈને કામગીરીનો જુસ્સો વધારી રહ્યા છે.