
ગાંધીનગરના ડભોડામાં એક ફિલ્મને ટક્કર મારે તેવો બનાવ સામે આવ્યો છે. એક સાથે ચોરી કરવા નિકળેલા ભાઇઓએ બાઇક ચોરી કર્યા પછી અગાઉ મોટા ભાઇએ મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ડરી જતા કાળી રાતનો લાભ લેતા મોટા ભાઇનુ સાડીથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. લાશને ખારી નદીમાં જ દાટી દીધી હતી. જ્યારે પોલીસે આરોપીઓને બાઇક ચોરીમાં પકડ્યા પછી તેના ભાઇનુ મર્ડર કર્યુ હોવાનુ સામે આવતા આખો મામલો બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ સાબરકાંઠાની એલસીબી પોલીસે બાઇક ચોરીમાં બે ભાઇઓને પકડ્યા હતા.
હિંમતનગરના વિરપુરમાં રહેતા ગોપાલ લક્ષ્મણ બજાણીયાને સમાચાર મળ્યા હતા કે, તેના ભાઇ રાહુલને હિંમતનગર એલસીબીની ટીમે પકડ્યો છે, ત્યારબાદ ચોરી ઉપરાંત મર્ડરનો બનાવ સામે આવતા પોલીસ ચોકી ગઇ હતી. ગોપાલ બજાણીયાએ ડભોડામાં પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ છેકે, આશરે દોઢ મહિના પહેલા તેના મોટાભાઇ શંકર બજાણીયાએ રાહુલને ફોન કરીને રૂપિયા માંગ્યા હતા. તે સમયે રૂપિયા નહિ હોવાથી શંકરે ચોરી કરવાની વાત કરી હતી. જેમાં તેના ભાઇ મેહુલે પણ ફોન કરીને કહ્યુ હતુ કે, શંકરનો ફોન આવ્યો છે અને ચોરી કરવા જવાનુ કહે છે. જેથી રાહુલ તેની પત્ની શિતલ સાથે ચિલોડા આવ્યો હતો અને ત્યાંથી દહેગામના રેલવે ગરનાળા પાસે ઉતરી પાટા ઉપર ચાલવા લાગ્યા હતા.જેમાં થોડે દુર જતા એક બોરકુવા ઉપરથી બે બાઇકની ચોરી કરી હતી અને બાદમાં વડોદરા થઇને ચાર લોકો એક બાઇક ઉપર બે જણા બેસી ખારી નદી પાસે પહોંચ્યા હતા.
તે સમયે શંકર અને મેહુલ વચ્ચે થોડો સમય વાતચીત થઇ હતી. બાદમાં ડભોડા બજારમાં ચોરી કરવાનુ વિચાર્યુ હતુ. જ્યારે નદીએ પહોંચતા અગાઉ શંકરે મેહુલની પત્નીની છેડતી કરી હતી અને કહ્યુ હતુ કે, તુ મેહુલને છોડી મારી સાથે રહેવા આવી જા, નહિ તો મેહુલને મારી નાખશે. જ્યારે રાહુલને પણ રીક્ષા બાબતે ઝગડો થતો હતો. જેથી નદીમાં શંકરને મારી નાખવાનો પ્લાન બનાવી લીધો હતો. રાહુલ, તેની પત્ની શિતલ અને મેહુલે, શંકરને પકડીને માર માર્યો હતો. શિતલે તેની સાડીને છેડો કાઢી શંકરના ગળે વિટાળી બે સાઇડ પકડી રામ રમાડી દીધા હતા. જ્યારે શંકરને મારી નાખ્યા પછી ખારી નદીના પટમાં જ તેની લાશને દાટી દીધી હતી અને બાદમાં 3 લોકો જતા રહ્યા હતા.
હિંમતનગર પોલીસ આરોપીઓને ડભોડા પાસેની ખારી નદીમાં લઇ આવી હતી. તે સમયે નદીમાં વરસાદના કારણે પાણી બે કાઠે વહી રહ્યુ હતુ. જેથી જેસીબી સહિતના મશીન બોલાવી પાણીને રોક્યુ હતુ અને બાદમાં મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી.
મૃતક મોટાભાઇ શંકરે તેના ભાઇની પત્ની સામે દાનત બગાડી હતી. તે ઉપરાંત નાના ભાઇ સાથે રીક્ષા બાબતે પણ બબાલ થતી હતી. મેહુલની પત્નીને મારી નહિ તો કોઇની નહિ, થવા દઉની જેમ ધમકી આપતા આ જ ધમકી તેના મોતનુ કારણ બની હતી.