નેપાળમાં પ્રદર્શનકારીઓએ પૂર્વ પ્રધાનમંત્રી અને નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા અને તેમના પત્ની આરઝૂ રાણા દેઉબા પર હુમલો કર્યો છે. આરઝૂ દેઉબા નેપાળના વિદેશ મંત્રી છે. હુમલા દરમિયાન પ્રદર્શનકારીઓએ નેપાળના બંને વરિષ્ઠ નેતાઓને દોડાવી-દોડાવીને માર્યા છે. તેનાથી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં શેર બહાદુર દેઉબાના શરીર પર લોહી જોઈ શકાય છે.
નાણામંત્રી અને નાયબ વડાપ્રધાનને પણ માર્યા
પ્રદર્શનકારીઓએ કાઠમંડુમાં નેપાળના નાણામંત્રી અને નાયબ વડાપ્રધાન વિષ્ણુ પ્રસાદ પૌડેલને પણ માર માર્યો છે. પૌડેલને એક શેરીમાં ઘેરવામાં આવ્યા અને મારવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક પ્રદર્શનકારી પૌડેલને લાતો મારતો જોવા મળે છે. ત્યારબાદ પ્રદર્શનકારી પૌડેલને પકડી સાથે લઈ જતાં જોવા મળે છે. હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે પૌડેલ ક્યા છે અને તેમની સ્થિતિ કેવી છે
સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટમાં આગ લગાવી
વિરોધમાં સામેલ ગુસ્સે ભરાયેલા યુવાનોએ સિંહ દરબાર સંકુલ, સંસદ ભવન અને વરિષ્ઠ રાજકીય નેતાઓના ખાનગી નિવાસસ્થાનોને પણ નિશાન બનાવ્યા અને આગચંપી અને તોડફોડનો આશરો લીધો. પાર્ટી કાર્યાલયો અને પોલીસ સ્ટેશનોને પણ બક્ષવામાં આવ્યા ન હતા, દિવસભર તોડફોડના અહેવાલો આવી રહ્યા છે. કાઠમંડુમાં વિરોધીઓ મુખ્ય સરકારી અને રાજકીય સ્થળો પર હુમલો કરવાનું ચાલુ રાખતા અધિકારીઓ હિંસાને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામું
નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મંગળવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઓલીએ હજારો પ્રદર્શનકારીઓ દ્વારા સરકાર વિરોધી નારા લગાવતા તેમના કાર્યાલયમાં ઘૂસવાના થોડા સમય બાદ પદ છોડી દીધું છે. ઓલીના રાજીનામાના થોડી કલાકો પહેલા પ્રદર્શનકારીઓએ સોમવારે મોતની જવાબદારીની માંગ કરતા બાલકોટ સ્થિત નેપાળી નેતાના ખાનગી આવાસમાં આગ લગાવી દીધી હતી.
નેપાળમાં અત્યાર સુધી 19 લોકોના મોત
સોશિયલ મીડિયા સાઇટ પર સરકારના પ્રતિબંધ વિરુદ્ધ સોમવારે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. વિરોધ પ્રદર્શન બાદ સરકારે સોશિયલ મીડિયા પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો.
કોણ છે Gen-Z આંદોલનનો ચહેરો સુદન ગુરૂંગ, જેના એક અવાજથી ધ્રૂજી ગઈ નેપાળની સરકાર
ઓલી તેમનો ચોથો કાર્યકાળ પણ પૂર્ણ કરી શક્યા નહીં
નેપાળી કોંગ્રેસના સમર્થનથી જુલાઈ 2024 થી વડા પ્રધાન તરીકે તેમનો ચોથો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા ઓલી આ હિંસા પછી વધતા દબાણનો સામનો કરી રહ્યા હતા. વિરોધીઓએ તેમના વહીવટ પર નિઃશસ્ત્ર વિરોધીઓ સામે ઘાતક બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે 2015-16, 2018-21 અને 2021 માં કેટલાક સમય માટે અને પછી જુલાઈ 2024 થી મંગળવારે તેમની હકાલપટ્ટી સુધી આ પદ સંભાળ્યું.