
એપલ કંપનીએ અત્યારસુધીનો સૌથી પાતળો iPhone લોન્ચ કર્યો છે. પાતળા ટાઇટેનિયમ ડિઝાઈન અને બંને બાજુ સિરામિક શીલ્ડથી કવર થયેલા iPhone 17 Airને અબિદુર ચૌધરીએ ડિઝાઈન કર્યું છે. અમેરિકન ટેક દિગ્ગજ કંપનીના ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર અબિદુર ચૌધરીએ કહ્યું હતું કે,”એપલ એક એવો આઈફોન બનાવવા માગતી હતી, જે ભવિષ્યના એક ભાગ જેવો લાગે. આ અત્યારસુધીનો સૌથી પાતળો iPhone છે, જેની અંદર Proની શક્તિ સમાયેલી છે. આ એક વિરોધાભાસ છે, જેના પર વિશ્વાસ કરવા માટે તમારે તેને હાથમાં પકડવો પડશે”.
અબિદુર ચૌધરીનો જન્મ અને ઉછેર ઈંગ્લેન્ડના લંડનમાં થયો હતો. હાલમાં તે સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર તરીકે કામ કરે છે. તે પોતાને એવી વ્યક્તિ તરીકે વર્ણવે છે, જે ‘સમસ્યાઓ ઉકેલવા અને નવી વસ્તુઓ શીખવાનું પસંદ કરે છે અને એવી પ્રોડક્ટ્સ બનાવવાની પ્રેરણા ધરાવે છે, જેના વગર ‘લોકો રહી ન શકે’.
અબિદુરે ઈંગ્લેન્ડની લફબરો યુનિવર્સિટીમાંથી પ્રોડક્ટ ડિઝાઈન અને ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે યુકેમાં કેમ્બ્રિજ કન્સલ્ટન્ટ્સ અને કર્વેન્ટામાં ઇન્ટર્નશિપ કરી હતી. ત્યારબાદ અબિદુરે લંડનમાં લેયર ડિઝાઇન (લંડન સ્થિત ડિઝાઇન કંપની)માં ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર તરીકે કામ શરૂ કર્યું હતું. 2018થી 2019 સુધી, તેમણે પોતાની કન્સલ્ટન્સી ‘અબિદુર ચૌધરી ડિઝાઇન’ ચલાવી, જેમાં તે ડિઝાઇન એજન્સીઓ, ઇનોવેટિવ કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ સાથે કામ કરીને ઉત્પાદનો (પ્રોડક્ટ્સ), અનુભવો (એક્સપિરિયન્સ) અને ડિઝાઇન વ્યૂહરચના (ડિઝાઇન સ્ટ્રેટેજીઝ) પૂરી પાડતા હતા. જાન્યુઆરી 2019માં તે કેલિફોર્નિયાના ક્યુપર્ટિનો ખાતે Appleમાં ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનર તરીકે જોડાયા, જ્યાં તેઓ કંપનીના સૌથી નવીન ઉત્પાદનો (ઇનોવેટિવ પ્રોડક્ટ્સ)ની ડિઝાઇનમાં સામેલ થયા, જેમાં તાજેતરમાં લોન્ચ થયેલા iPhone Air નો પણ સમાવેશ થાય છે.
વિદ્યાર્થીકાળ દરમિયાન અબિદુરે 3D હબ્સ સ્ટુડન્ટ ગ્રાન્ટ ફોર પ્રોડક્ટ ડિઝાઈન, ધ જેમ્સ ડાયસન ફાઉન્ડેશન બર્સરી, ધ ન્યૂ ડિઝાઈનર કેનવુડ એપ્લાયન્સિસ એવોર્ડ સહિતના ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે. તેમજ સીમોર પાઉવેલ ડિઝાઇન વીક કોમ્પિટિશનમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. તેના LinkedIn પ્રોફાઈલ મુજબ, તેણે તેના ‘પ્લગ એન્ડ પ્લે’ ડિઝાઇન માટે 2016માં રેડ ડોટ ડિઝાઈન એવોર્ડ પણ જીત્યો છે. અબિદુર ચૌધરી બાંગ્લાદેશ મુળના હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. એપલે કેલિફોર્નિયાના ક્યુપર્ટિનો સ્થિત એપલ પાર્ક ખાતે 9 સપ્ટેમ્બરે ‘ઓવ ડ્રોપિંગ’ ઇવેન્ટમાં અત્યારસુધીનો સૌથી પાતળો આઈફોન 17 Air લોન્ચ કર્યો હતો.
આ ફોનની જાડાઈ ફક્ત 5.6mm છે.
તે 80% રિસાયકલ ટાઇટેનિયમથી બનેલો છે.
તેમાં 6.5-ઇંચનો પ્રોમોશન ડિસ્પ્લે છે, જેમાં બંને બાજુ સિરામિક કવચ છે.
એપલે દાવો કર્યો છે કે, તે અત્યાર સુધીનો સૌથી પાવર-એફિશિઅન્ટ iPhone છે. તેમાં 6-કોર CPU અને 5-કોર GPU છે, જેમાં સેકન્ડ-જનરેશન ડાયનેમિક કેશિંગ છે, જે MacBook Pro જેવું પ્રદર્શન અને વધુ સારી ઓન-ડિવાઇસ AI ક્ષમતાઓ આપે છે. કેમેરા સિસ્ટમમાં 12MP 2x ટેલિફોટો લેન્સ અને નવો 18MP સેન્ટર સ્ટેજ કેમેરા છે, જે આટલી પાતળી ડિઝાઇનમાં ઉત્તમ ઇમેજિંગ આપે છે. તે ફક્ત e-sims પર કામ કરે છે.
iPhone Air ની બેટરી આખો દિવસ ચાલે છે. ઉપરાંત, નવા MagSafe અને કસ્ટમ કેસ જેવી નવી એક્સેસરીઝ પણ રજૂ કરવામાં આવી છે.
