યુવક PSIની ખુરસી પર બેસીને ફોટોસેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો
તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી માગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા આવનાર કારીગર પોલીસનો જ ‘કલર’ કરી ગયો છે. તેણે પોલીસ સ્ટેશનમાં PSIની ખુરસી પર બેસીને ફોટોસેશન કર્યું અને ઈન્સ્ટાગ્રામ પર ‘યમરાજ સે અપની યારી હૈ’ ગીત સાથેની પોસ્ટ કરી. પોસ્ટ થતાંની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ આવવા લાગી. આ કારીગર સોશિયલ મીડિયા પર ‘ભોળા રાજભર બાહુબલી’ તરીકે ઓળખાય છે. બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરી હતી. જે યુવક PSIની ખુરસી પર બેસીને ફોટોસેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાન પકડીને માફી માગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે.
આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. થોડા મહિના પહેલાં તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કર્યું હતું. એ સમયે તેણે પોલીસ સ્ટેશનમાં PSIની ખુરસી પર બેસીને ફોટોસેશન કરાવ્યું હતું. આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો પ્રખ્યાત છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 16.50 હજારથી વધુ ફોલોવર્સ છે. PSIની ખુરસી પર બેસીને કરાવેલા ફોટોસેશનને 1400થી વધુ લાઈક્સ અને 36 કમેન્ટ્સ મળી હતી, જેમાં તેણે ‘યમરાજ સે અપની યારી હૈ’ ગીત પણ ઉમેર્યું હતું.
આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ એ સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલરકામના પૈસા બાકી છે. એ સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી.
દારૂના નશામાં પકડાયા બાદ આ વીડિયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો, જોકે આ વીડિયો 4 ડિસેમ્બર, 2024નો હતો, પરંતુ તે હાલમાં જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે આ આરોપીએ ફક્ત રાંદેર પોલીસ સ્ટેશનમાં જ નહીં, પરંતુ એક રેલવે પોલીસચોકીની બહાર પણ ફોટોસેશન કરાવીને તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી.
આરોપી કાન પકડીને કબૂલાત કરે છે કે 6-7 મહિના પહેલાં તે રાંદેર પોલીસ મથકમાં કલરકામ માટે આવ્યો હતો અને ત્યારે તેનાથી ભૂલ થઈ છે. વીડિયો વાઇરલ થયા બાદ રાંદેર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ યુવકનો સમાજવાદી પાર્ટીની રેલીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ, કારણ કે તે આવી રેલીઓમાં પણ જોવા મળ્યો છે. આ ધરપકડ દર્શાવે છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે.
25 દિવસ પહેલાં અમદાવાદના રિવરફ્રન્ટ પર જ્યાં લોકો પરિવાર અને મિત્રો સાથે આવતા હોય છે, ત્યાં એક યુવકની 2 બંદૂક સાથે રોફ જમાવતી રીલ વાઇરલ થઈ હતી. યુવકે કમરમાં 2 બંદૂક ભરાવી હતી, જે બહાર કાઢીને લોકોને ડરાવી રહ્યો હતો તેમજ આ વીડિયોમાં ગુલાલ ફિલ્મનું સોંગ ‘આરંભ હૈ પ્રચંડ…’ વાગી રહ્યું હતું.