
વડોદરામાં વરસાદ બંધ થયો છે, પરંતુ મગરો દેખાવવાની અને બહાર આવવાનો સિલસિયો યથાવત્ જોવા મળી રહ્યો છે. 10 સપ્ટમ્બરની મોડીરાત્રે વડોદરા તાલુકાના ચાંપાડ અને અનગઢ ગામે બે મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં ચાંપાડ ગામમાં મહાકાય 11 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગળામાં ગાળિયો નાખતાની સાથે જ મગરે ચાર જેટલી ગુલાંટી મારી હતી. આ મગર પર પાંચ યુવક બેઠા ત્યારે માંડ-માંડ કાબૂમાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, વડોદરાના અનગઢ ગામમાં મગર હોવાની વિગતો વન વિભાગ અને NGOને થતા તાત્કાલિક બે ટીમ બંને ગામોમાં પહોંચી કામગીરી હાથ ધરી હતી. અનગઢ ગામ પાસેથી મહીસાગર નદી પસાર થાય છે અને ત્યાંથી અહીંયા મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, ભારે જહેમત અને સમય સૂચકતાથી વન વિભાગની ટીમે અને વોલિયંટરે છ ફૂટના મગરનું રેસ્ક્યૂ કરી લીધું હતું.
બીજામાં ચાંપડ ગામ પાસે તળાવ આવેલું છે અને અહીંયા રહેણાંક વિસ્તારમાં મહાકાય 11 ફૂટનો મગર ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ વન વિભાગ સાથે સંસ્થાના લોકોએ પહોંચી રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. અંધારામાં મગરના ગળામાં ગાળિયા નાખતાની સાથે જ મહરે મોઢું ફાડી ચાર જેટલી ગુલાંટી મારી હતી. ભારે જહેમત બાદ મગર કાબૂમાં આવતા પાંચ યુવક તેના પર બેઠી ગયા હતાં અને બાદમાં પાંજરે પૂર્યો હતો. આમ બંને મગરને સહી સલામત રેસ્ક્યૂ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યા છે.
નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે, તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે, કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે, આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.