
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ રોડ બેસી જવા અને ભુવા પડવાની ઘટનાઓ બનતી હોય છે. એક તરફ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે બ્રિજની નીચેથી વાહનો પસાર થાય છે. ત્યારે હાટકેશ્વર બ્રિજની બાજુના જ રોડ પર ભુવો પડ્યો હતો. રિક્ષાચાલક જ્યારે ત્યાંથી પસાર થતો હતો ત્યારે જ ભુવો પડતા રિક્ષા અંદર ગરકાવ થઈ ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને રિક્ષાચાલકને રિક્ષા સાથે બહાર કાઢી લીધો હતો. રોડ પર ભુવો પડવાના કારણે સીટીએમ તરફ જતો રોડ બંધ કરવો પડ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરના હાટકેશ્વર બ્રિજ પાસે ખોખરાથી સીટીએમ તરફ જતા બ્રિજના છેડા પાસે રોડ પર વહેલી સવારે ભુવો પડ્યો હતો. રિક્ષાચાલક પસાર થતો હતો ત્યારે જ રિક્ષા પડવાનો અવાજ આવતા નજીકના દુકાનદારો અને વાહનચાલકોએ દોડી આવીને ભુવામાં પડેલી રિક્ષાને ચાલક સાથે બહાર કાઢીને ઇજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલ ખસેડ્યો હતો.
જોકે રિક્ષા ભુવામાં પડી હોવાના કારણે તેનું આગળનું ટાયર ફાટી જવા સાથે કાચ તુટી જતા મોટું નુકસાન થયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ થતા તાત્કાલિક ધોરણે તેઓ પહોંચ્યા હતા. તંત્રએ ભુવાને ફરતા બેરીકેડ લગાવી ખોખરાથી હાટકેશ્વર જતા રોડને બંધ કરી બ્રિજના છેડે પોલીસ ચોકીથી અમરાઈવાડી થઈને હાટકેશ્વર તરફ જતા રોડ પર વાહનચાલકોને ડાયવર્ઝન આપીને રસ્તો બંધ કર્યો હતો.