ગનપોઇન્ટ પર ગુજરાતના બે યુવકને જંગલના રસ્તે મ્યાનમાર પહોંચાડ્યા.. આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટમાં નવો ઘટસ્ફોટ

Spread the love

 

 

સુરત સાયબર સેલે કરેલા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટમાં પીડિતો પર થયેલા અત્યાચારની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ રેકેટમાં ફસાયેલા યવકોને ગનપોઈન્ટ પર બેંગકોકથી જંગલના રસ્તે મ્યાનમાર લઈ જઈ સાયબર ક્રાઈમનું કામ સોંપવામાં આવતું હતું. જો ભોગ બનનાર સાયબર ફ્રોડનું કામ સારી રીતે ન કરી શકે અથવા તેને અંગ્રેજી ન આવડતું હોય અને કામની ના પાડે તો બે ભયાનક વિકલ્પ આપવામાં આવતા હતા. કાં તો તેઓ તેમના પર થયેલા 4 લાખનો ખર્ચ ચૂકવે અથવા તો પોતાની જગ્યાએ કામ કરવા માટે અન્ય કોઈ વ્યક્તિને લાવીને રાખે. આ ગેંગ દ્વારા ગુલામો પાસે દિવસના 18 કલાક સુધી સતત કામ કરાવવામાં આવતું હતું અને તેમને કેદમાં રાખીને જમવાનું ન આપવા સહિતની યાતનાઓ આપવામાં આવતી હતી.
મુખ્ય આરોપીના ફોનની તપાસમાં સુરત સાયબર સેલને શ્રીલંકા, ઇથોપિયા અને પાકિસ્તાન સહિતના દેશનો 51 જેટલા પાસપોર્ટની કોપી મળી છે. આ સાથે જ અન્ય કેસને લગતી કડીઓ પણ મળી આવી છે. આ રેકેટની વિગત એવી છે કે ભારતનાં જુદાં-જુદાં રાજ્યના નોકરી શોધતા યુવકોને વિશ્વાસમાં લઈ નોકરીની લાલચ આપી નોકરી અપાવવાના બહાને થાઇલેન્ડ મોકલતા હતા. જ્યાં બંને દેશ વચ્ચે આવેલી નદીમાંથી અને જંગલોમાંથી ગેરકાયદે પસાર કરાવી થાઇલેન્ડ બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ચાઇનીઝ ગેંગની કંપનીઓમાં મોકલતા હતા. મ્યાનમાર પહોંચ્યા બાદ આ લોકોને એક મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવતી. તેમને સોશિયલ મીડિયા પર લોકોને ફસાવવાની રીતો શીખવવામાં આવતી અને કઈ રીતે વાત કરવી એ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવામાં આવતી હતી. ચાઈનીઝ બેંકના લોગોનો ઉપયોગ કરીને નકલી પ્રોફાઈલ બનાવવામાં આવતી હતી, જેમાં પુરુષ પીડિતોને મહિલાના પ્રોફાઈલ અને મહિલા પીડિતોને પુરુષના પ્રોફાઈલનો ઉપયોગ કરીને ચેટિંગ કરવાનું કામ સોંપવામાં આવતું હતું. જો કોઈ કામ કરવા તૈયાર ન થાય તો તેમને જેલમાં બંધ કરીને ત્રાસ આપીને કામ કરાવવામાં આવતું હતું. હાલમાં જ સુરત સાયબર સેલે સુરત અને વડોદરાના બે યુવકે આ ગેંગની ચુંગલમાંથી છોડાવ્યા હતા.

આ મામલે સુરત સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં સાયબર સ્લેવરી રેકેટમાં ચાર આરોપીની ધરપકડ કરી છે. આ ચારમાંથી છેલ્લે જે ઝડપાયો તેનું નામ અકીબ હુસૈન છે અને તે વડોદરાનો રહેવાસી છે. અકીબ સબએજન્ટ તરીકે કામ કરતો હતો અને તેના પર એક મોટો એજન્ટ છે. અકીબને એક માણસ માટે 21 હજાર મળતા હતા. અત્યારસુધીમાં તેણે બે માણસને મોકલ્યા છે. મુખ્ય આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરીના ફોનની તપાસમાં શ્રીલંકા, ઇથોપિયા અને પાકિસ્તાન સહિતના દેશના 51 જેટલા પાસપોર્ટની કોપી મળી છે. આ 51 પાસપોર્ટ અલગ-અલગ નાગરિકોના છે. મુખ્ય આરોપીના ફોનમાંથી 30 જેટલા ડિસેન્ટ્રલાઇઝ ટ્રસ્ટ વોલેટ પણ મળ્યા છે, જેમાં યુએસડીટીનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. હાલ આ દિશામાં પણ અમારી તપાસ ચાલી રહી છે. ભોગ બનનાર બે લોકોનું અમારા દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાં એક વ્યક્તિ સુરતની અને બીજી વડોદરાની છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ લોકોને ખોટું બોલીને એજન્ટો બેંગકોકમાં નોકરી છે એવું કહીને મોકલતા હતા, પરંતુ ખરેખર નોકરી બેંગકોકમાં નહિ, મ્યાનમારમાં હતી. આ લોકોને બેંગકોકથી મ્યાનમાર ગેરકાયદે જંગલ અને નદીના રસ્તાથી પસાર થઈને ત્યાં લઈ જવામાં આવતા હતા. આ લોકોને કઈ ગડબડ હોવાની શંકા જતાં નોકરીમાં જવાની ના પાડી અને ભારત પરત મોકલવાનું કહેતાં ગેંગવાળાએ ફાયરિંગ કર્યુ અને પછી બાંધીને ગનપોઈન્ટ ઉપર રાખીને એ લોકોને મ્યાનમાર ખાતે લઈ જઈ ત્યાંની મિલિટીને સોંપવામાં આવ્યા. ત્યાર પછી મ્યાનમાર મિલિટીએ સાયબર ક્રાઈમની જે કંપનીઓ છે ત્યાં આ લોકોને મોકલી આપ્યા હતા. આ કંપનીઓમાં ભોગ બનનારને સાયબર ક્રાઈમ કઈ રીતે કરવું એની ટ્રેનિંગ આપવામાં આવતી. જ્યારે ભોગ બનનારે કામ કરવાની ના પાડી તો તેમને ધમકી આપવામાં આવી કે તારી જગ્યાએ કોઈ માણસ આપ અથવા સાડાત્રણથી ચાર લાખ રૂપિયાની માગણી કરી હતી. એ બાદ પણ આ લોકો ન માનતાં જેલમાં મોકલી જમવાનું પણ ન આપી જબરદસ્તી તેમની પાસેથી કામ લેવામાં આવતું હતું.

સાયબર સ્લેવરી રેકેટ કેવી રીતે ઝડપાયું?
સુરત સાયબર સેલની ટીમને બાતમી મળી હતી કે ભારતના નોકરી કરવા ઇચ્છુક યુવકોને વિદેશમાં નોકરીની લાલચે થાઈલેન્ડ, કંબોડિયા, મ્યાનમાર મોકલી સાયબર સ્લેવરીના રેકેટમાં ધકેલવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચાલી રહ્યું છે. ચાઈનીઝ ગેંગના માફિયાના ઈશારે ભારતીય યુવકોને ગેરકાયદે કોલ સેન્ટરમાં બેસાડી ડિજિટલ અરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ક્રિપ્ટોમાં રોકાણ સહિતના સાયબર ફ્રોડ માટે ભારતના જ લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવે છે. આ કેસની તપાસમાં સાયબર ક્રાઇમ સેલની ટીમને બે શંકાસ્પદ મોબાઈલ નંબરો અને વ્હોટ્સએપ ચેટના ડેટા મળ્યા હતા. એ દિશામાં તપાસ કેન્દ્રિત કરતાં આ મોબાઈલ નંબરધારકોનું ચાઈનીઝ ગેંગ સાથે કનેક્શન મળ્યું હતું.
આ મોબાઈલ નંબરોનું લોકેશન પંજાબમાં મળતાં સુરત સાયબર સેલની ટીમ પંજાબ પહોંચી હતી. પંજાબના ઝીરકપુર ખાતે વીઆઈપી રોડ પર પેન્ટા હોમ્સ બિલ્ડિંગમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પાંચમા માળે ફ્લેટમાં ઘૂસી પોલીસે નિપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી (ઉં.વ.24, મૂળ ઉધમસિંહ નગર, ઉત્તરાખંડ) અને પ્રીત રસિક કમાણી (ઉં.વ.21, મૂળ તિરુમાલા ગોલ્ડ સોસાયટી, નાગરકા રોડ, ગોંડલ, રાજકોટ)ને પકડી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી એક લેપટોપ તથા 4 મોબાઈલ ફોન મળ્યાં હતાં અને આ રેકેટમાં જ સાયબર સેલ દ્વારા સુરતથી વિઝા એજન્ટ આશિષ રાણાની પણ ધરપકડ કરાઈ હતી. પોલીસે તેમની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *