અમદાવાદમાં ગુંડાઓએ ધારિયાં-છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા કર ધારિયાં ભોંકીને કાઢી ફરી ઘા માર્યા, ગાડી ચઢાવી; પગ હલ્યો તો ફરી ગાડીમાંથી ઊતરી 8 ઘા માર્યા

Spread the love

 

દુનિયાના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે અમદાવાદના 24 કલાક ધમધમતા પાલડી વિસ્તારમાં રાત્રે એક યુવકની નૃશંસ હત્યાથી કાયદો-વ્યવસ્થાનો મજાક બની ગયો છે. દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદમાં પોલીસ ગુંડાઓને ‘સાફ’ નથી કરી શકતી. દેશનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદ હવે જાણે કે ગુનાખોરીમાં ક્રાઇમ સિટી સુરતની હરીફાઈ કરતું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે ચિંતાજનક રીતે જાહેરમાં હત્યા, લૂંટ, મારામારી જેવા ગુનાઓ સામાન્ય બનતા જાય છે.
12 સપ્ટેમ્બરે વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નૈસલ ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ છે. નંબરપ્લેટ વગરની કારમાં આવેલા 7-8 અજાણ્યા શખસોએ પહેલા નૈસલ ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો. બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયાં અને છરીના ઉપરાછાપરી ઘા મારી તેને પતાવી દીધો.
પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ અંજલિ ફ્લાય ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલાં આવતી ગલી પાસે પહોંચ્યો હતો. ત્યારે પાછળથી એક નંબરપ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી આવી હતી. આ ગાડીએ નૈસલ ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી, ત્યાર બાદ કારમાં આવેલા શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા હતા અને ધારિયા-છરીના આડેધડ ઘા માર્યા હતા.
ગુંડાઓ રીતસરના યુવક પર ધારિયાં-છરી લઈ તૂટી પડ્યા હતા. એક બાદ એક ઉપરાછાપરી ધારિયાં-છરીના ઘાથી યુવકનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું. ગુંડાઓ એટલા ક્રુર હતા કે ધારિયાંના ઘા યુવકના શરીર પર ખૂપતાં તેને ફરી કાઢી ફરી મારતા હતા. એક ગુંડો તો યુવકના માથા પર જ ધારિયાંના ઘા વારંવાર મારતો દેખાય છે.
બાદમાં યુવકનું મોત થઈ ગયું તેમ સમજી ગુંડાઓ ત્યાંથી ફરાર થતા હતા. ત્યાં વળી તે યુવકના નસીબ ખરાબ હોય તેમ તે યુવકનો પગ હલ્યો. બસ પછી શું આ નૃશંસ હત્યારાઓએ જતા-જતા પાછી ગાડી ઊભી રાખી અને ગાડીમાંથી ઉતરી 8 ઘા મારી યુવકની હત્યા કન્ફર્મ કરી ત્યાંથી બિન્દાસ્ત નીકળી જાય છે. લોહીલુહાણ હાલતમાં મૃતક નૈસલ ઠાકોર રોડ પર પડ્યો હતો. બાદમાં ​​​​​​તેને ​સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાલડી પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગત ઓગસ્ટ મહિનામાં પાંચથી વધુ લોકોની જાહેરમાં મારામારી કરી હત્યા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવાના બનાવો બન્યા હતા. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પોલીસનું કોઈ નિયંત્રણ નથી. છેલ્લા એક અઠવાડિયામાં પણ મારામારી, અપહરણ તેમજ છરી મારવાના કિસ્સાઓ બની રહ્યા છે. ગોમતીપુર વિસ્તારમાં પણ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી હોય એમ ગુરુવારે યુવકના મોઢા ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા અને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
ઝોન-7 DCP શિવમ વર્માએ જણાવ્યું કે પાલડીમાં થયેલી હત્યાના મૃતક નૈસલ ઠાકોર જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેની હત્યા જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. સાથે જ મૃતક નૈસલ ઠાકોરે વર્ષ 2011માં એક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ હત્યા કેસમાં મૃતકના સગા-સંબંધીઓએ હત્યા કરી હોવાની આશંકા છે. હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવ્યા હતા. હત્યા પહેલા રેકી કરી હોવાનું પણ મનાઈ રહ્યું છે. હાલ તો પોલીસે CCTVના આધારે હત્યારાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
22 ઓગસ્ટે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગવોરમાં યુવકનું અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. રોડની વચ્ચે જ 10થી વધુ લોકો ધારિયાં જેવાં ઘાતક હથિયારો સાથે એક યુવક પર તૂટી પડ્યા હતા. થોડા સમય પહેલાં યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો, એ જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *