
શહેરના વટવા વિસ્તારમાં રહેતા જમીનદલાલનું અપહરણ કરી દાગીના અને રોકડ મળીને 52.50 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ જતાં 6 આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. જમીનદલાલના કૌટુંબિક ભાણિયાએ જ મામાને લૂંટવા માટે વસ્ત્રાલ વિસ્તારમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સંગ્રામસિંહ સિકરવારને ટિપ્સ આપી હતી. એના આધારે ભેગા મળી જમીનદલાલનું અપહરણ કરી લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરી તમામ આરોપીઓ રાજસ્થાન પહોંચ્યા હતા અને પોલીસે તેમને ઝડપી લીધા હતા.
ઝોન 5 DCP જિતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે જમીનદલાલનું વસ્ત્રાલ વિસ્તારમાંથી કારમાં આવેલા અજાણ્યા શખસો અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. કેનાલ પાસે લઈ જઈ તેને માર માર્યો હતો અને ત્યાર બાદ તેની પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી અને તેના ઘરેથી રોકડા રૂપિયા અને દાગીના મળી કુલ 52 લાખ રૂપિયા લઈ લીધા હતા. બાદમાં જમીનદલાલને છોડી મૂક્યો હતો, જેથી જમીનદલાલને 112 નંબર ઉપર પોલીસનો સંપર્ક કરતાં રામોલ પોલીસ પહોંચી હતી અને ફરિયાદીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.
જમીનદલાલ દ્વારા ગાડીનું વર્ણન અને નંબર આપવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ કરતાં ઈનોવા ગાડી ભાડે આપવામાં આવી હતી. એ ગાડી અંગે લોકેશન મેળવવામાં આવતાં રાજસ્થાનના કોટા ખાતે હોવાનું સામે આવ્યું હતું, જેથી રામોલ પોલીસ દ્વારા રાજસ્થાનની કોટા પોલીસને આ બાબતે જાણકારી આપવામાં આવી હતી અને લોકેશન આપવામાં આવ્યું હતું. રામોલ પોલીસ પણ રાજસ્થાન જવા રવાના થઈ ગઈ હતી. કોટા પોલીસે લોકેશન પરથી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
રામોલ પોલીસ પણ કોટા ખાતે પહોંચી હતી અને આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે સંતાડેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. રોકડ રૂપિયા 26 લાખ, સોનાના 25 તોલા દાગીના આશરે કિંમત 25 લાખ અને દોઢ કિલો જેટલી ચાંદી 1.5 લાખ રૂપિયા સહિતનો 52 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી તમામ 6 આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીમાં ઋષિ સેંગર નામનો આરોપી જમીનદલાલ અજય રાજપૂતનો કૌટુંબિક ભાણિયો થાય છે. મામા પાસે મોટી સંખ્યામાં રોકડ રકમ હોવા અંગેની જાણકારી હતી, જેથી તેણે વસ્ત્રાલ વિસ્તારમાં મારામારી લૂંટ અને હત્યા જેવા ગુનામાં સંડોવાયેલા સંગ્રામસિંહ સિકરવાર નામના ગુનેગારને આ બાબતે જાણકારી આપી હતી અને ત્યાર બાદ બંને જણાએ ભેગા મળી જમીનદલાલ અજય રાજપૂતનું અપહરણ કરી લૂંટવાનું કાવતરૂં ઘડ્યું હતું. સંગ્રામસિંહને પૈસાની જરૂરિયાત હતી અને થોડા દિવસ પહેલાં જ અમદાવાદ આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપીઓ ઉત્તરપ્રદેશ જવાના હતા, પરંતુ ઋષિ રાજસ્થાનમાં કોટા ખાતે હોવાના કારણે ત્યાં ગયા હતા અને પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
શહેરના વટવા વિસ્તારમાં 43 વર્ષીય અજય સુરેન્દ્રસિંહ રાજપૂત પરિવાર સાથે રહે છે અને જમીન લે-વેચનો ધંધો કરે છે. 9 સપ્ટેમ્બરના રોજ સવારે અજય પોતાના ઘરેથી વસ્ત્રાલ દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે કામ માટે ગયો હતો. બાદમાં બપોરે બાઈક લઈ મહંમદપુરા ખાતે જવા નીકળ્યો હતો. એ દરમિયાન રસ્તામાં એક ઇનોવા કાર આવી હતી, જેને ઓવરટેક કરવા જતાં અજયને કોઈએ ફેંટ મારતાં તે નીચે પટકાયો હતો. જે ગાડીમાંથી 3 વ્યક્તિ નીકળી હતી અને અજયને જબરદસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું.
સંગ્રામ સિકરવાર, શિવમ સહિતના ચાર લોકો હતા, જેમણે અજયને માર માર્યો હતો. ત્યારે અજયે પૂછ્યું કે મને કેમ મારો છો અને ક્યાં લઈ જાઓ છો, ત્યારે સંગ્રામ અને શિવમ કહેવા લાગ્યા હતા કે ચૂપચાપ બેસ, નહીં તો જાનથી મારી નાખીશું. સંગ્રામે પોતાની પાસે રાખેલી છરી કાઢી અજયને બતાવી અને કહ્યું હતું કે તારે જીવતા રહેવું હોય તો ઘરેથી એક કરોડ રૂપિયા મગાવી દે, પરંતુ અજયે કહ્યું હતું કે મારી પાસે આટલા રૂપિયા નથી.
બાદમાં અપહરણકર્તાઓએ કહ્યું હતું કે તું અત્યારે કેટલા રૂપિયા આપીશ, જેથી અજયે કહ્યું હતું કે દોઢ બે લાખ રૂપિયા પડ્યા છે એ મગાવી લઉં, ત્યારે અપહરણકર્તાઓએ જણાવ્યું હતું કે તું જુઠ્ઠું બોલે છે, તારા પુરા પરિવારની ડિટેઇલ છે અને પછી માર મારી એક કરોડ રૂપિયા આપશે એવી ધમકી આપી હતી. પછી શિવમે જણાવ્યું હતું કે તારા ઘરે જેટલા રૂપિયા અને દાગીના છે એ મગાવી લે, નહીં તો જીવતો નહીં જવા દઇએ, જેથી અજય ગભરાઈ ગયો હતો અને પૈસા ઘરેથી મગાવવા તૈયાર થયો હતો. એ સમયે શિવમે જણાવ્યું હતું કે તારા મોબાઈલથી પત્નીને ફોન કર અને જમીનની મેટરનો કેસ થયો છે એટલે પૈસાની જરૂર છે એમ કહી પૈસા મગાવ.
અજયે પત્નીને ફોન કરી કહ્યું હતું કે ઘરમાં જેટલા પૈસા પડ્યા હોય એટલા તૈયાર રાખ, જે હું એક માણસને મોકલું છું તેને પૈસા આપી દેજે. આટલું કહ્યા બાદ તેણે ફોન કાપી નાખ્યો હતો. પછી શિવમે કહ્યું હતું કે તું તારી અંગત વ્યક્તિને ફોન કર અને ઘરેથી પૈસા તથા દાગીના લઇ રિંગરોડ બોલાવ. જેથી અજયે તેના કારીગર વિજયને ફોન કરી કહ્યું હતું કે તું મારા ઘરે જા અને પત્ની જે પૈસા આપે એ હું લોકેશન મોકલું ત્યાં આપી જજે. પછી વિજયે ઘરેથી બધું લઈ લીધું હોવાથી ક્યાં આવવાનું એમ કહ્યું હતું. જેથી ચિલોડા સર્કલ ખાતે વિજયને બોલાવ્યો હતો. વિજય ચિલોડા પહોંચ્યો હતો ત્યારે સુરત ચૌહાણને બેગ લેવા મોકલ્યો હતો. બેગ ખોલતાં એમાં ફક્ત રૂપિયા હતા. દાગીના ન હોવાથી અપહરણકર્તા ગુસ્સે થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે તું બહુ હોશિયારી કરે છે, દાગીના કેમ નથી લાગ્યા.
ઘરેથી દાગીના મગાવી લે, નહીં તો જાનથી મારી નાખીશું, તેથી ફરી અજયે પત્નીને ફોન કરી દાગીના વિજય પાસે મગાવ્યા હતા. એ દાગીના પણ ચિલોડા સર્કલથી ગાડીમાં લઈ લીધા હતા. બાદમાં અપહરણકર્તાઓએ ફરિયાદ કરીશ તો તારા છોકરાને ઉઠાવી લઈશું એમ કહી અજયને ધક્કો મારી ગાડી લઈ ભાગી ગયા હતા, તેથી અજાણી વ્યક્તિને અજયે કઈ જગ્યા છે એમ કહેતાં રણાસણ ગામ હોવાનું જણાવ્યું હતું. અજયે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે 25 લાખ રોકડા તથા 25 લાખના દાગીના તેઓ લઈ ગયા છે, જેથી આ મામલે અજયે સંગ્રામ સિકરવાર, શિવમ, સૂરજ ચૌહાણ અને અમદ ભદોરિયા અને સેજુ નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.