ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓ પર આધારિત થશે
નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
હવે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ નાગરિકોને મળતી સુવિધા પર થશે
….


ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી સિટીઝન સેન્ટ્રીક (નાગરિક-કેન્દ્રિત) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ફેરફાર DG-IG કોન્ફરન્સ ૨૦૨૪ના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હવેથી, રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં વર્ષમાં બે વખત આ નવા પેરામીટર્સના આધારે પોલીસ સ્ટેશન રેન્કિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યું છે. આ રેન્કિંગમાં લગભગ ૪૦ જેટલા અલગ-અલગ નાગરિક-કેન્દ્રિત મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે.

નવા માપદંડ:
નવા રેન્કિંગ માપદંડમાં નાગરિકોને સીધો લાભ મળે તેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં, અરજીઓનું ઝડપી નિવારણ, ‘શી’ (SHE) ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાતો, પોલીસના ગેરવર્તનની અરજીઓ, ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અને ‘તેરા તુજકો અર્પણ’ જેવા કોમ્યુનિટી પોલીસિંગ કાર્યક્રમોનો અમલ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા, હાઇજેનિક મહિલા શૌચાલયની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, રાહત કક્ષ (Waiting Area) અને તેમાં નાગરિકો માટેની સુવિધાઓ, વૃક્ષારોપણ કાર્યક્રમો, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓને પણ ગુણ આપવામાં આવશે. એટલું જ નહીં, સંબંધિત પોલીસ સ્ટેશનના PSO અને SHO દ્વારા સરકારી નંબરનો ઉપયોગ પણ આ મૂલ્યાંકનમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ નવી પદ્ધતિ મુજબ, દરેક શહેર અને જિલ્લાના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને રાજ્યના પોલીસ વડાશ્રી તરફથી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે. આનાથી પોલીસ સ્ટેશનો વચ્ચે નાગરિકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સકારાત્મક સ્પર્ધાનું વાતાવરણ ઊભું થશે.
તાજેતરમાં આ નવી પદ્ધતીના આધારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનોની રેન્કિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રથમ સ્થાન મેળવનાર પોલીસ સ્ટેશનોના થાણા ઇન્ચાર્જને રાજ્ય પોલીસ વડાશ્રી દ્વારા પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યા છે.
….