
ઝારખંડમાં કોબરા બટાલિયને આજે કરેલા મહત્વના એન્કાઉન્ટરમાં 1 કરોડનું ઇનામ ધરાવતા નક્સલી સહિત 3 નક્સલીઓના મોત થયા છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે હવે ઝારખંડનો બોકારો વિસ્તાર નક્સલ મુક્ત થઇ ગયો છે અને દેશના અન્ય વિસ્તારો પણ ઝડપથી નક્સલ મુક્ત થઇ જશે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આજે ઝારખંડના હજારીબાગમાં નકસલ વિરોધી કાર્યવાહીમાં CRPFની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમે મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, કુખ્યાત નક્સલ કમાન્ડર CCM સહદેવ સોરેન ઉર્ફે પરવેશ, જેના પર ₹1 કરોડનું ઇનામ હતું, તેને ઠાર મારવામાં આવ્યો છે. આ સાથે, બે અન્ય ઇનામધારી નક્સલીઓ- રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે ચંચલ અને બિરસેન ગંઝુ ઉર્ફે રામખેલાવનને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. તેમણે આગળ લખ્યું છે કે આ કાર્યવાહી પછી, ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે.