
તાલાલાના ભોજદે ગામમાં હનીટ્રેપનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગીતા રબારી નામ ધારણ કરી એક કથાકાર યુવકને સોશિયલ મીડિયા દ્વારા ફસાવીને અપહરણ અને ખંડણી માટે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચક્યાર મચાવી છે. જેમાં કથાકારનું તેની જ અર્ટિકામાં અપહરણ કરીને લોખંડના પાઈપથી માર મારીને 7 હજાર લૂંટી લીધા હતા. જ્યારે 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. આ મામલે કથાકારે 4 સામે ફરિયાદ નોંધાવી છે.
ડીવાયએસપી વીર. આર. ખેંગારે જણાવ્યું હતું કે, આ કિસ્સામાં એક સગીરા સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ પીડિત યુવકને હનીટ્રેપમાં ફસાવી, મારમારી અને ખંડણી માગી હતી. પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. 2 સપ્ટેમ્બરના રોજ, રાકેશ પંડ્યાને ગીતા રબારી નામની યુવતીએ વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. યુવતીએ પોતાની ઓળખ સાંગોદ્રા નેસડાની રામાભાઈ રાડાની દીકરી તરીકે આપી હતી. પ્રેમભર્યા મેસેજ દ્વારા યુવકને વિશ્વાસમાં લઈ, 12મી સપ્ટેમ્બરે સાંગોદ્રા ગામે મળવા બોલાવ્યો હતો. રાકેશ પંડ્યા પોતાની મારુતિ અર્ટિકા કાર (GJ 32 AG 2093) લઈને સાંગોદ્રા પહોંચ્યો હતો. ત્યાં બે શખ્સોએ તેની કાર રોકી, તેને માર માર્યો અને મોબાઈલ છીનવી લીધો હતો. ત્યારબાદ, ભોજદે ગામના સલીમ ઉર્ફે દાઉદ બાવદિન લાંધાને બોલાવીને યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.
યુવકે ખંડણી ચૂકવવા ના પાડતા. આરોપીઓએ લોખંડના પાઈપથી તેના હાથ-પગમાં માર માર્યો અને તેને ગંભીર રીતે ઈજા પહોંચાડી. પીડિત યુવકને તાલાલા અને વેરાવળમાં સારવાર માટે લઈ જવાયો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગીતા રબારી નામની યુવતી હકીક્તમાં સાંગોદ્રા ગામની સગીરા છે. આ કાવતરામાં કરશન રબારી ઉર્ફે અસલમ, ખાન અને સલીમ ઉર્ફે દાઉદ બાવદિન લાંઘા સામેલ હતા. પોલીસે આ ચારેય સામે ગેરકાયદેસર મંડળી રચવા, અપહરણ અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.