

ઈન્ડિયાથી માલ મગાવતા અમેરિકાના નાના વેપારી 50 ટકા ટેરિફને કારણે ભીંસમાં આવી ગયા છે, અમેરિકામાં રેસ્ટોરાંથી લઈને ક્લોધિંગ શોપ્સ ધરાવતા બિઝનેસ ઓનર્સનું કહેવું છે કે તેમની પાસે હવે ખૂબ જ મર્યાદિત ઓપ્શન્સ રહી ગયા છે, કારણકે ટેરિફને લીધે થયેલા ભાવવધારાને એક હદથી વધુ સહન કરવો શક્ય નથી જેથી પ્રાઈસ વધાર્યા વિના છૂટકો નથી અને જો ભાવવધારો થાય તો કસ્ટમર્સ ગુમાવવાનો ડર છે. ટેરિફને કારણે તેમણે ઈન્ડિયાથી માલ મગાવવાનું જ બંધ કરી દીધું તો પછી તેમના બિઝનેસમાં કશુંય યુનિક નહીં રહે. ટ્રમ્પે પણ હાલમાં જ એવુ નિવેદન આપ્યું હતું કે ઈન્ડિયા પર 50 ટકા ટેરિફ નાખવાનો નિર્ણય આસાન નહોતો અને તેને લીધે બંને દેશો વચ્ચેના સંબંધો પર પણ અસર થઈ છે. જોકે, ટેરિફ ક્યારે ઓછો થશે કે પછી નાબૂદ થશે તેને લઈને ટ્રમ્પ કશુંય બોલવા તૈયાર નથી. સધર્ન કેલિફોર્નિયામાં ઓલ ઈન્ડિયા કાફે નામની એક રેસ્ટોરાં ચેઈન ચલાવતા એક ઈન્ડિયન ફેમિલીએ જણાવ્યું હતું કે ટેરિફ ભલે 50 ટકા હોય પરંતુ ઈન્ડિયાથી આવતા મરીમસાલા તેમજ લીકરની કિંમત લગભગ ડબલ થઈ ચૂકી છે. આ રેસ્ટોરાં ચલાવતા પવનદીપ કૌર ખિંડાએ જણાવ્યું હતું કે ઓપરેટિંગ કોસ્ટ વધી જતાં હવે મેનુ પ્રાઈસમાં વધારો કરવા કે પછી સ્ટાફના અવર્સ ઓછા કરવાની સાથે ધંધો બંધ કરી દેવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી રહ્યો. પવનદીપ કૌરનું એવું પણ કહેવું છે કે હાલ તો તેમણે ટેરિફની કોસ્ટ કસ્ટમર્સ પર નથી નાખી પરંતુ આવું લાંબો સમય નહીં ચાલે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એકાદ-બે અઠવાડિયામાં જ મેનુની કિંમત વધારવી પડશે નહીંતર રેસ્ટોરાં બંધ કરવાનો વારો આવશે.
તેમના બિઝનેસમાં અગાઉ પણ ચઢઉતર આવતી રહી છે પરંતુ આ વખતની સ્થિતિ કંઈક અલગ છે, તેમણે તો ત્યાં સુધી પણ કહ્યું હતું કે કોવિડ વખતે જેટલી તકલીફ નહોતી પડી તેટલી હાલ પડી રહી છે કારણકે લાર્જ બિઝનેસની માફક સ્મોલ ફેમિલી બિઝનેસિસ માટે મોટા પ્રમાણમાં ચીજવસ્તુઓનો સ્ટોક કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. અમેરિકા ઈન્ડિયાનું સૌથી મોટું એક્સપોર્ટ પાર્ટનર છે, 2024માં ભારતથી 87 બિલિયન ડોલરનો માલસામાન અમેરિકા મોકલવામાં આવ્યો હતો. ઈન્ડિયાથી જે ચીજવસ્તુઓ અમેરિકા મોકલાય છે તેમાં ફાર્મા અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ સહિતની વસ્તુઓ સૌથી વધારે હોય છે પરંતુ હાલ જે ટેરિફ નખાયો છે તેમાં આ બંને વસ્તુઓને બાકાત રાખવામાં આવી છે. જોકે, નાના વેપારીઓને તેનાથી કશોય ફાયદો નથી થવાનો. આ સિવાય ઈન્ડિયાથી જે ટેક્સટાઈલ અને ગારમેટ પ્રોડક્ટ્સ અમેરિકા જાય છે તેના પર ઈન્ડિયામાં 45 મિલિયન જેટલા લોકોને રોજગારી મળે છે. 50 ટકા ટેરિફને લીધે અમેરિકામાં ઈન્ડિયાથી આવતા કપડાં તેમજ બીજી વસ્તુઓ વેચતા લોકોના ગણિત ખોરવાઈ ગયા છે. કેલિફોર્નિયાના આર્ટેસિયામાં ઈન્ડિયન સાડી વેચતા હીરલ મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં જ તેમણે 200 જેટલા બ્રાઈડલ આઉટફિટ્સ ઈન્ડિયાથી મગાવ્યા હતા જેના પર 62,000 ટેરિફ ચૂકવવો પડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું હવે પોતાને એવો ડર લાગી રહ્યો છે કે ક્યાંક સ્ટોર જ બંધ કરવાની નોબત ના ઉભી થઈ જાય.