ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતમાં કુબેરનગરના 62 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. ગાંધીનગરના સેક્ટર-30 સર્કલ નજીકથી વેપારી બાઇક લઈને પસાર થઈ રહ્યાં હતા ત્યારે કોઈ અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અંગે સેકટર-21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારીને ફરાર
અમદાવાદના કુબેરનગર ભાર્ગવ સોસાયટી મકાન નંબર 157માં પરિવાર સાથે રહેતા 62 વર્ષીય વિષ્ણુભાઈ હરજીવનદાસ પટેલ માણસા પરબતપુરા ખાતે મકાનની સાઈટ ઉપર કામ કરવા આવતા જતા હતા. આજે સવારે પણ તેઓ બાઇક લઇને માણસા ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન સેક્ટર-30 સર્કલથી ઘ/7 સર્કલ તરફ આવતા પ્રેસ સર્કલ નજીક કોઇ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટકકર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા વિષ્ણુભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયાં હતા. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઇ હતી. આ બનાવની જાણ મૃતકના પત્ની જ્યોત્સાબેનને કરવાની આવી હતી. જેના પગલે પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મૃતક વિષ્ણુભાઈના નાના ભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


