ગાંધીનગરમાં મેડિકલ સ્ટોરના કર્મચારીને ચરેડી ચોકડી પાસે આંતરી માર મરાયો, 9 શખ્સો સામે ગુનો નોંધાયો

Spread the love

 

 

ગાંધીનગરના સેકટર 17/22 રોડ પર આવેલી આદર્શ મેડિકલ સ્ટોર્સના કર્મચારી પ્રદીપસિંહ જશવંતસિંહ ચાવડા સાથેની અગાઉના ઝઘડાની અદાવતમાં બે થાર ગાડી સહિત કુલ ત્રણ વાહનોમાં આવેલા નવ શખ્સોએ ચરેડી ચાર રસ્તા નજીક આંતરીને ફિલ્મી ઢબે ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચરેડી ચોકડી પાસે એક લાલ થાર ગાડીએ મોટરસાયકલને અટકાવી ગાંધીનગરના પેથાપુરની ઓમકાર રેસિડેન્સીમાં રહેતા મૂળ માણસાના પ્રદીપસિંહ જશવંતસિંહ ચાવડા સેક્ટર 17/22 ખાતે આવેલા આદર્શ મેડિકલમાં નોકરી કરે છે. ગઈકાલે(15 સપ્ટેમ્બર) મોડી સાંજે તેઓ બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચરેડી ચોકડી પાસે એક લાલ થાર ગાડીએ તેમની મોટરસાયકલને આગળથી અટકાવી દીધી હતી.

લોખંડની પાઈપ વડે પ્રદીપસિંહના બંને પગ પર ફટકા માર્યા જ્યારે બીજી થાર ગાડી અને અન્ય એક કારે પાછળ અને બાજુમાંથી બાઈકને ઘેરી લીધી હતી. આ વાહનોમાંથી આઠથી નવ માણસો ઉતર્યા હતા. જે પૈકી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા અને તેના ભાઈ આદિત્યરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડાએ લોખંડની પાઈપ વડે પ્રદીપસિંહના બંને પગ પર ફટકા માર્યા હતા. જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા.

9 શખ્સોએ ગડદાપાટુ અને લાકડીઓથી માર માર્યો ત્યાર બાદ જયદીપસિંહ રમણસિંહ ચાવડાએ પીઠના ભાગે ઊંધું ધારીયું મારી પ્રદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સિવાય ધ્રુવ પટેલ, સતીષ ભરવાડ, યુવરાજસિંહ દશરથસિંહ ચાવડા, સૂર્યદીપસિંહ દશરથસિંહ ચાવડા, લોકેન્દ્રસિંહ પરબતસિંહ ચાવડા અને રાહુલ જીવણજી નામના શખ્સોએ પણ ગડદાપાટુ અને લાકડીઓથી માર માર્યો હતો.

લોકો ભેગા થતાં આરોપીઓ નાસી ગયા આ હુમલો અગાઉ થયેલા કોઈ ઝઘડાની અદાવતને કારણે કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ “તારે દાદા બનવું છે” તેમ કહી અપશબ્દો પણ બોલ્યા હતા. જોકે લોકો ભેગા થતાં દિગ્વિજયસિંહ, આદિત્યરાજસિંહ અને જયદીપસિંહે પ્રદીપસિંહને જો હવે દાદા બનવાની કોશિશ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી નાસી ગયા હતા. આ હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત પ્રદીપસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડૉક્ટરોએ તપાસ કરતાં તેમના બંને પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. આ અંગે સેકટર 21 પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *