ઓડિશાના મયુરભંજમાં શાળામાં પગે ના લાગતાં શિક્ષિકાએ ફટકારતાં ૩૧ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

Spread the love

શિક્ષિકા સસ્પેન્ડઃ સવારની પ્રાર્થના પછી ધો.૬-૮ના બાળકો શિક્ષિકાને પગે લાગવાનું ભૂલી ગયા હતા

મયુરભંજ (ઓડિશા)
શિક્ષકો વિવેકભાન ભૂલી જાય છે, તેના કારણે સમગ્ર શિક્ષકગણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. આવી જ એક ઘટના ઓડિશાના મયુરભંજમાં બની છે, જ્યાં એક શિક્ષિકાએ વિવેકભાન ભૂલીને ૩૧ બાળકોની ક્રૂર મારપીટ કરી, જેના કારણે ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આ નિર્દોષ બાળકોનો વાંક ફક્ત એટલો જ હતો કે સવારની પ્રાર્થના સમયે પગે લાગવાનું ભૂલી ગયા હતા.
બેઝિક શિક્ષણાધિકારીએ આ ઘટના વિશે જણાવ્યું કે સવારની સમૂહ પ્રાર્થના પછી તમામ બાળકો પોત-પોતાના વર્ગમાં જતા રહ્યા હતા, પરંતુ ધોરણ ૬, ૭ અને ૮ના બાળકો શિક્ષિકાને પગે લાગ્યા નહીં, જેના કારણે શિક્ષિકાએ દંડાથી ક્રૂરપણે મારપીટ કરી હતી. જ્યારે પીડિત બાળકોના વાલીઓને ઘટનાની ખબર પડી તો તેઓ ત્વરિતપણે શાળામાં પહોંચ્યા હતા. વાલીઓની માંગ છે કે શિક્ષિકાની સામે કાર્યવાહી કરવામાં આવે. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેઝિક શિક્ષણાધિકારીએ કહ્યું કે, અમને શાળાના આચાર્ય પૂર્ણચંદ્ર ઓઝાએ ઘટના અંગેની માહિતી આપી, અમે તરત જ શાળાએ પહોંચ્યા. અમારી સાથે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને કલસ્ટર રિસોર્સ સેન્ટર કો-ઓર્ડિનેટર (સીઆરસીસી) દેબાશીષ સાહુ પણ હતા. તેમણે સમગ્ર મામલાની તપાસ કરી. બેઝિક શિક્ષણાધિકારી બિપ્લવે કહ્યું કે, અમે ઘાયલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમના નિવેદન નોંધ્યા છે. પ્રાથમિક તપાસ પછી તરત કાર્યવાહી કરીને શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *