
ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને સેક્ટર 17-22 પાસેની મેડીકલમાં નોકરી કરતો યુવક રાતના સમયે બાઇક લઇ તેના ઘરે જઇ રહ્યો હતો. તે સમયે ચરેડી પાસે પહોંચતા ફિલ્મી સ્ટાઇલમાં તેને આંતરવામાં આવ્યો હતો અને બાદમાં 3 કારમાંથી 9 લોકો ઉતર્યા હતા. હવે તુ દાદા બનવાની કોશિષ કરીશ તો જાનથી મારી નાખીશુ તેમ કહી અગાઉની અદાવતમાં હુમલો કરી આરોપીઓ ભાગી ગયા હતા.
આ બનાવની સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આશરે 45 વર્ષિય પ્રદીપસિંહ જશવંતસિંહ ચાવડા (રહે, પેથાપુર, ઓમકાર રેસીડેન્સી, મૂળ રહે, વરસોડા, માણસા) ગાંધીનગરના સેક્ટર 17-22 પાસે આવેલા આદર્શ મેડીકલમાં નોકરી કરે છે. ત્યારે ગત રોજ નોકરી પુરી કરી તેનુ બાઇક નંબર જીજે 18 આર 9559 લઇને પેથાપુર ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન ચરેડી પાસે પહોંચતા એકા એક બાઇકની ત્રણ સાઇડમાં 3 ગાડીઓ આવીને ઉભી કરી દેવામાં આવી હતી. આગળ પાછળ થાર અને સાઇડમાં ઇકો કાર ઉભી રાખી દીધી હતી.
આ ગાડીઓમાંથી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા, તેનો ભાઇ આદિત્યરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડા તેના હાથમાં લોખંડની પાઇપો લઇ ગાળો બોલતા બહાર નિકળ્યા હતા અને અગાઉ થયેલા ઝગડાની અદાવતમાં કહેવા લાગ્યા હતા કે, તારે દાદા થવાનુ છે ? તેમ કહી શરીરે ઘા કરવા લાગ્યા હતા. જેમાં જયદીપસિ઼હ રમણસિંહ ચાવડા હાથમાં ધારીયુ લઇ આવી પીઠ ઉપર ફટકાર્યુ હતુ. ધ્રુવ પટેલ, સતિષ ભરવાડ, યુવરાજસિંહ દશરથસિંહ ચાવડા, સુર્યદીપસિંહ ચાવડા, લોકેન્દ્રસિંહ પરબતસિંહ ચાવડા, રાહુલ જીવણજી લાકડી, ધોકા,પાઇપથી મારામારી કરવા લાગ્યા હતા. જ્યારે લોકો એકઠા થઇ જતા 3 વાહનમાં આવેલા હુમલાખોર ભાગી ગયા હતા. જ્યારે હોસ્પિટલમાં લઇ ગયા પછી પગ ઉપર ફ્રેક્ચર થયુ હોવાનુ સામે આવ્યા બાદ આરોપીઓ સામે સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.