ગુજરાતના આ ગામમાં 11 લાખનું દૂધ ઉડી જાય એવા પંખા

Spread the love

 

વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે. તેમના કહેવા મુજબ કેટલાક કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના લોકોનું માનવું છે કે મંડળીમાં પંખા ફરવાને કારણે 11 લાખ રૂપિયાની કિંમતનું દૂધ હવામાં ઉડી ગયું. આ અકલ્પનીય ઘટનાની તપાસ કરવા માટે જર્મની અને યુરોપના કેટલાક ટેકનોક્રેટ્સ, એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ કોદરામ ગામની મુલાકાત લેવાના હોવાનો વ્યંગાત્મક પ્રહાર કર્યા હતા.
જર્મનીના એન્જિનિયરો કોદરામની મુલાકાતે આવતા મેવાણીએ કર્યો કટાક્ષ
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે આ ઘટના એટલી આશ્ચર્યજનક છે કે વૈશ્વિક નિષ્ણાતો પણ આકર્ષાયા છે. તેઓ આ ડેરીમાં કયું ગણિત અને કઈ ટેક્નોલોજી કામ કરે છે તે સમજવા માટે સ્ટડી કરશે. તેમનો મુખ્ય પ્રશ્ન એ છે કે એવા ક્યા આધુનિક પંખા છે, જેના ફરવાથી ખેડૂતો અને બહેનોની કાળી મજૂરીથી ઉત્પન્ન થયેલું 11 લાખનું દૂધ ઉડી ગયું અને તેમનો નફો સાફ થઈ ગયો.
જીજ્ઞેશ મેવાણીના મતે, વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો નફો 11-13% છે, જ્યારે મુમનવાસનો નફો 12-13% છે. તેની સામે કોદરામનો નફો માત્ર 6.5% છે. જ્યારે લોકોને આ ઓછા નફાનું કારણ પૂછવામાં આવ્યું. ત્યારે જવાબ મળ્યો કે પંખા એવા ફર્યા કે 11 લાખની કિંમતનું દૂધ ઉડી ગયું.’
આ વીડિયોમાં જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન અને સરકારને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો 11 લાખનું દૂધ પંખાથી ઉડી શકતું હોય, તો આ ટેકનોલોજીનો ઉપયોગ વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં ભરાયેલા હજારો લીટર પાણીને ઉડાડવા માટે પણ કરવો જોઈએ તેમણે વિનંતી કરી કે કોદરામની આ અનોખી ટેકનોલોજી દેશની બહાર ન જાય અને તેને સાચવી રાખવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *