ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષ સામે જ પડકાર ફેંક્યો

Spread the love

 

ભરૂચમાં દુધધારા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ બરાબરનુ ગરમાયું છે. ભાજપે કેટલાક નેતાઓને સસ્પેન્ડ કરી દેતા ભાજપના જ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષ સામે મોરચો માંડ્યો છે. ભાજપના ધારાસભ્યએ પડકાર ફેંક્યો કે, દૂષયારા ડેરીની ચૂંટણીમાં કમળના નિશાન વિના ચૂંટણી લડશું અને જીતીશું.

ગઈકાલે ભાજપે 9 નેતાઓને સસ્પેન્ડ કર્યા હતા
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી હવે ઈફકોવાળી રંગ ધારણ કરી રહી છે. જયેશ રાદડિયાની જેમ હવે વધુ એક ધારાસભ્યએ પક્ષના મેન્ટેડ સામે બળવો કર્યો છે. ગઇકાલે ભરૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચની દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. આ સસ્પેન્શનથી ધારાસભ્ય અરૂણસિંહ રણાને મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના ૬ અને નર્મદા 3 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.
અરુણસિંહ રાણાએ ભાજપ સામે બગાવત કરી
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાાણે એ ભાજપના ઉમેદવારોની પેનલ સામે વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતારી છે. પક્ષે આકરા પાણી બતાવતા અરુણસિંહ રાણાએ કહ્યું કે, સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી. આનાથી કોઈ ફરક પડે નહીં. અમારી વિકાસ પેનલ ચૂંટણી લડશે અને જીતશે કેમકે, કાર્યકરોનો સાથ-સહકાર છે. ભાજપના કાર્યકરોની ફ્રોજ છે તે પૈકી સક્રિય કાર્યકરોને પણ ઉમેદવાર તરીકે પસંદ કરાયા નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે. કાર્યકરોની ધરાર અવગણના કરાઇ છે. આમ, દૂધધારા ચૂંટણીમાં ઈફકોવાળી થવાના પૂરેપૂરા અણસાર છે. ખુદ ભાજપના ધારાસભ્યએ જ બળવાખોરોની આગેવાની લીધી છે. ભાજપને રાજકીય દબદબો જાળવી રાખવા માટે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવું ભારે પડી રહ્યું છે. બીજીવાર ભાજપને આવા આંતરિક વિરોધનો સામનો કરવો પડી રહ્યો.

મનસુખ વસાવા નારાજ
આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પણ લાલ આંખ કરી છે અને દુધધારાની ચૂંટણી લઈ નેતાઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે, જે આ થઈ રહ્યું છે એ ઘણું ખોટું થઈ રહ્યું છે. આવનારા દિવસો માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીને મોટો ફટકો પડશે. જોકે આ બાબતે ભરૂચ નર્મદાના સંકલનને સાથે રાખી આ મેન્ડેટ અંગે ચર્ચા કરવામાં આવી હોત તો આ વિવાદ જ ન થાત પરંતુ આ કોઈના મહત્વકાંક્ષાને કારણે પ્રદેશને ગેરમાર્ગે દોરી છે. પ્રદેશને ખબર ન હોઈ કે કોણ ભાજપના છે અને કોણ નહિ. પરંતુ મેન્ડેટ આપ્યા પછી પ્રદેશને ખબર પડી કે આમાં કેટલાક લોકો કોંગ્રેસના છે અને મેન્ડેટ આપ્યા પછી ચિન્હ બદલવામાં આવ્યા. આ પ્રક્રિયા જે થઈ એ તદ્દન ખોટી થઈ છે અને આ પાર્ટીને ભવિષ્યમાં મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. જો મેન્ડેટ આપવામાં આવ્યા તો ચિન્હ કેમ બદલવામાં આવ્યા. કારણ કે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે. આમ આ મુદ્દે સાંસદે ભાજપના જ નેતાઓને આડે હાથે લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો બીજી બાજુ અરૂણસિંહ રણા પણ આ પેનલને લઈ પ્રથમવાર મીડિયા સામે પ્રતિક્રિયા આપી અને એમને પણ પોતાનો રોષ ઠાલવ્યો.

મેન્ડેટનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લીધાં-પ્રદેશ મહામંત્રી
દૂધધારા ચૂંટણીમાં ધારાસભ્યની પેનલ સામે ભાજપ દ્વારા સસ્પેન્સનનો મામલે ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સહકાર ક્ષેત્રમાં ભાજપ દ્વારા પાટીલ સાહેબના નેતૃત્વમાં મેન્ડેટ આપવા માર્ગ મોકળો કર્યો હતો. સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ સંસ્થાઓ ભાજપના કાર્યકરો દ્વારા વહીવટ થાય છે. ભાજપનો મેન્ડેટનો ભંગ કરીને ઉભા રહેનાર સામે શિક્ષાત્મક પગલાં લીધાં છે. પ્રદેશ અધ્યક્ષ સાથે ચર્ચા કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો:
ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની સામે ધારાસભ્ય અરુણ સિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે. ઘનશ્યામ પટેલ હાલ દૂધધારા ડેરીના ચેરમેન છે. ત્યારે તેઓની સામે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પેનલ ઉતારી છે. ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલમાંથી પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. અરુણસિંહ રણાના સમર્થનમાં ઊભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ધનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધો છે. પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ નમતું ઝોખ્યું નહિ. ઘનશ્યામ પટેલે કહ્યું કે, પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે. બીજી તરફ અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે. જો કે અમુલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવૃત્તિ થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો રણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે. ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ, કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ ગઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરએ મતદાન યોજાવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *