ઘોંઘાટ ફેલાવતી ડીજે ટ્રકો પર તવાઇ, ગુજરાત સરકારે ધ્વનિ પ્રદૂષણ સામે પગલાં લેવા કડક આદેશો જારી કર્યા

Spread the love

ગુજરાત સરકારે ધ્વનિ એટલે કે અવાજના પ્રદૂષણ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે, જેમાં ડીજે ટ્રકોને નિશાન બનાવવામાં આવી છે જે મોટેથી મ્યુઝીક વગાડીને લોકોને પરેશાન છે. અધિકારીઓનું કહેવું છે કે આવી ટ્રકો મ્યુઝીકના બદલે ઘોંઘાટ ફેલાવી રહી છે, અને તેની સામે પગલા લેવાઇ રહ્યા છે. કોર્ટના આદેશો અને હાલના નિયમો હોવા છતાં, રાજ્યભરમાં ધ્વનિ પ્રદુષણ સામે નવળો અમલ થઇ રહ્યો છે. સાયલન્ટ ઝોનમાં પોલીસ સ્ટેશનો દ્વારા લાઉડસ્પીકરની પરવાનગીઓ આપવામાં આવી રહી છે. જેના કારણે નિયમોનું પાલન કેટલી ગંભીરતાથી થઈ રહ્યું છે તે અંગે શંકા ઉભી થાય છે.
રાજ્ય સરકારે તાજેતરમાં ધ્વનિ પ્રદૂષણ કાયદાઓને કડક રીતે લાગુ કરવા માટે એક નવો પરિપત્ર જારી કર્યો છે, જેમાં ડીજે ટ્રકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હાઇકોર્ટને જણાવ્યું હતું કે ગૃહ વિભાગે એસઓપી તૈયાર કરી છે અને બે પરિપત્ર જારી કર્યા છે. આ આદેશોમાં 2019 ના નોટિફિકેશનમાં સૂચના મુજબ સાઉન્ડ સિસ્ટમમાં લિમિટર્સ હોવા જરૂરી છે. નિયમ એમ પણ કહે છે કે આ લિમિટર્સ વિના કોઈ સાઉન્ડ સિસ્ટમ વેચી શકાતી નથી.
સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો અધિકારીઓ આ નિયમો લાગુ કરવામાં નિષ્ફળ જાય, તો તેમની સામે બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. માર્ચ 2024થી ડીજે ટ્રકમાં ફેરફાર કરવા માટે કોઈ નવી પરવાનગી આપવામાં આવી નથી. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ડીજે ટ્રક અને લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે.
એડવોકેટ અમિત પંચાલે કોર્ટના તિરસ્કારની અરજીમાં તેમણે દલીલ કરી હતી કે હાઇકોર્ટે કાર્યવાહીનો આદેશ આપ્યા પછી પણ અધિકારીઓ અવાજના પ્રદુષણના મુદ્દાઓને અવગણી રહ્યા છે. આ આદેશ એડવોકેટ કૈવન દસ્તુર દ્વારા દાખલ કરાયેલી પીઆઇએલના પગલે આવ્યો હતો. જેમણે શહેરી વિસ્તારોમાં ડીજે ટ્રકો દ્વારા શાંતિમાં ખલેલ પહોચાડવાની ફરિયાદો ઉઠાવી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે આ વર્ષ 2000ના ધ્વનિ પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરે છે. માર્ચ 2024માં, હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ નીતિ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
16 જૂન, 2025ના રોજ, સરકારે એસઓપી અને એક નવો પરિપત્ર જારી કર્યો. ન્યાયાધીશ એએસ સુપેહિયા અને એલએસ પીરઝાદાએ આ પગલાને આવકાર્યો હતો પરંતુ કહ્યું કે વાસ્તવિક પડકાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અસરકારક અમલીકરણ કરવાનો છે. હાઈકોર્ટે પણ તિરસ્કારના કેસ અંગે સરકારના વાંધાઓને ફગાવી દીધા અને આગામી સુનાવણી 10 નવેમ્બર માટે નક્કી કરી છે.
દરમિયાનમાં અરજદાર દસ્તૂરના વકીલ મૌનીલ યાજ્ઞિક દ્વારા દાખલ કરાયેલી RTI દ્વારા, એવું બહાર આવ્યું છે કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન શાંત ઝોનમાં છે, તેણે જાન્યુઆરી અને જૂન 2023 વચ્ચે 165 લાઉડસ્પીકર પરવાનગીઓ જારી કરી હતી. પોલીસે એ પણ સ્વીકાર્યું કે આ સમયગાળા દરમિયાન લાઉડસ્પીકર ઉલ્લંઘન માટે કોઈ દંડ કરવામાં આવ્યો નથી.
નવા SOP અને પરિપત્રો જિલ્લા કલેક્ટરો અને પોલીસ કમિશનરો માટે સ્પષ્ટ નિયમો નક્કી કરે છે. તેમણે શાંત ઝોનની સત્તાવાર યાદીઓ જારી કરવી જોઈએ. ડીજે ટ્રક અથવા લાઉડસ્પીકરો માટે પરવાનગી આપતા પહેલા તેઓએ રૂટની કાળજીપૂર્વક સમીક્ષા કરવી જોઈએ.
નિયમો જણાવે છે કે ડીજે ટ્રક અને લાઉડસ્પીકરને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મંજૂરી આપી શકાતી નથી. માન્ય પરવાનગી વગરના ડીજે ટ્રક તાત્કાલિક જપ્ત કરવા જોઈએ. ડીજે સિસ્ટમવાળા ટ્રક માટે નવી પરવાનગીઓ આગામી સૂચના સુધી આપવામાં આવશે નહીં. આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓને શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *