
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક 17 સપ્ટેમ્બરની રાતે એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. મોટું કન્ટેનર અચાનક પલટી મારી જતાં બે વ્યક્તિના કન્ટેનરની અંદર મોત નીપજ્યાં હતાં. અન્ય ત્રણ લોકોને ઈજા થતાં તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી. 2 ક્રેન, 3 JCBની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ બે મૃતકમાં એક 19 વર્ષીય સુરેન આદિવાસીનો સમાવેશ થાય છે. આ મામલે ચીફ ફાયર ઓફિસર અમિત દવેનાં જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બરની સાંજે 7:17 વાગ્યે રમેશભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો કે સેકન્ડ 150 ફૂટ રિંગ રોડ કોરાટ ચોકડી પાસે એક કન્ટેનર પલટી મારી ગયું છે અને તેની નીચે માણસો દબાઈ ગયા છે. આ કોલ ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે બે ફાયર ફાઈટર પહોંચી ગયા હતા. કન્ટેનરની અંદરથી ત્રણ લોકોને બચાવી લઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બે વ્યક્તિ કન્ટેનરની નીચે દબાયેલા હતા, તેને ક્રેઇનની મદદથી કન્ટેનર ઊંચું કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે બંનેના મૃતદેહો જ હાથ લાગ્યા હતા.
હાલમાં તેઓના નામ જાણવા મળ્યા નથી. પણ ફાયર બ્રિગેડની શબવાહિની મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થળ ઉપર 108નો સ્ટાફ, પોલીસ સ્ટાફ, મામલતદાર તથા ફાયર બ્રિગેડનો સ્ટાફ, જેમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે, સ્ટેશન ઓફિસર શેખ સાહેબ, સબ ફાયર ઓફિસર ખોખર સાહેબ, મવડી ફાયર સ્ટેશન અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનનો 20 કર્મચારીનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. રાત્રે 11:50 વાગ્યે આ કામગીરી પુરી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેનર પલટી મારી જતાં તેની નીચે એક વ્યક્તિ ફસાઈ હતી, જેને બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું. આ મૃતક કન્ટેનરની અંદર જ સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિવાય અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.
હાલમાં, આ ઘટનામાં કુલ કેટલા લોકો હતા તેની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. કારણ કે કન્ટેનરનો ડ્રાઇવર અથવા અન્ય કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. સ્થાનિક લોકોના કહેવા મુજબ બે વ્યક્તિઓ દબાયેલા હોઈ શકે છે. રાજકોટના કાંગશીયાળી ગામના માજી સરપંચ રમેશ પરમારે જણાવ્યું હતું કે, સાંજે 7 વાગ્યાની આસપાસ રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા કોરાટ ચોક પાસે કન્ટેનર પલટી ખાઈ ગયો હતો. જેમાં 5 લોકો હતા. જેમાંથી 3 લોકોને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1 વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નિલેશ કાલાવડિયાએ જણાવ્યું કે, અમે અહીં કોરાટ ચોક પાસે રહીએ છીએ. સનાતન હોટેલે ચા પીવા માટે બેઠા હતા ત્યારે ધડામ દઈને મોટો અવાજ આવ્યો. જેથી અમે અહીં દોડી આવ્યા ત્યારે જોયું કે કન્ટેનરમાંથી ડ્રાઈવર બહાર નીકળી રહ્યો હતો. જેને અમે તેને બહાર નિકળી જવા કહ્યું. જેને કઈ ઇજા થઈ નથી.