
જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં દેશી દારૂના બેફામ વેચાણ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભેસાણ અને મેંદરડા બાદ હવે 17 સપ્ટેમ્બરના કેશોદના ભાટ સિમરોલી ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડી છે. આ રેડમાં મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા હતા અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે મહિલા સરપંચે આક્ષેપ કર્યો હતો કે, પોલીસને લેટરપેડ પર જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન કરી. આ લોકો મહિલાઓને હેરાન કરે છે. ભાટ સિમરોલી ગામના મહિલા સરપંચ મેનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગામમાં દેશી દારૂનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે, જેના કારણે મજૂર અને ગરીબ પરિવારો હેરાન થઈ રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગ્રામ પંચાયતે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં બે વાર રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે કોઈ ધ્યાન આપ્યું ન હતું.
સરપંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમે પોલીસને લેટરપેડ ભરીને આપ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. પોલીસની બેદરકારીથી કંટાળીને ગ્રામજનોએ જાતે જ કાયદો હાથમાં લીધો અને જનતા રેડ પાડી. આ રેડ દરમિયાન મોટીમાત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે સરપંચના જણાવ્યા મુજબ વેપારીઓ મોટાભાગનો દારૂ વેચી ચૂક્યા હતા. ગ્રામજનોએ દારૂના ધંધાર્થીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી પોલીસ આ મામલે ગંભીરતાથી પગલાં નહીં ભરે ત્યાં સુધી ગામમાં શાંતિ જળવાશે નહીં. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના કાળા કારોબાર અને પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે, સ્થાનિક પ્રશાસન આ મામલે શું પગલાં ભરે છે.