
નેપાળની રાજધાની કાઠમંડુમાં સિંહ દરબારમાં 9 સપ્ટેમ્બરના રોજ લાગેલી વિનાશક આગમાં દેશનું સરકારી માળખું સંપૂર્ણપણે નષ્ટ થયું હતું. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે નેપાળના નવા કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીએ શપથ ગ્રહણ કરતી વખતે જાહેર કર્યું, “આપણે શૂન્ય સ્થિતિ(ઝીરો સ્ટેટ) માં છીએ.” તેમની પાસે મંત્રીમંડળ છે, પરંતુ મંત્રાલયો પાસે ન તો ઇમારતો છે કે ન તો જરૂરી દસ્તાવેજો. સિંહ દરબાર સંકુલ, જે એક સમયે ભવ્ય મહેલ અને 20 થી વધુ મંત્રાલયોનું ઘર હતું, તે હવે કાટમાળનો ઢગલો થઈ ગયું છે. આગમાં સંસદ, ભ્રષ્ટાચાર વિરોધી વિશેષ અદાલત અને અનેક મુખ્ય મંત્રાલયોનો નાશ થયો હતો. સરકારી દસ્તાવેજો, જન્મ પ્રમાણપત્રો, કંપની નોંધણીઓ અને આંતરરાષ્ટ્રીય કરારોના મૂળ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા. એકલા સુપ્રીમ કોર્ટમાંથી જ 60,000 થી વધુ ફાઇલો બળીને રાખ થઈ ગઈ.
આગમાં સંસદ અને રાષ્ટ્રપતિ ભવનથી લઈને સુપ્રીમ કોર્ટ, ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટ અને સ્થાનિક સરકારો સુધીની 300થી વધુ ઇમારતો પણ નાશ પામી હતી. પીએમ કાર્કીએ કહ્યું, “દેશનું સંચાલન કરતી બધી સંસ્થાઓ અને દસ્તાવેજો નાશ પામ્યા છે. આપણે શૂન્ય પર છીએ. પણ આપણે ફરી બેઠા થઈશું.” જે સામાન્ય લોકોનાં દસ્તાવેજો સળગી ગયા છે તેઓ પણ નિરાશ છે. કાઠમંડુના રાજેન્દ્ર શ્રેષ્ઠે પોતાની બળી ગયેલી બાઇક ઓળખી કાઢી અને કહ્યું, “તે મારી છે, પણ તે સંપૂર્ણપણે નષ્ટ થઈ છે.” બીજા એક નાગરિકે કહ્યું કે તેમના જન્મ પ્રમાણપત્ર અને જમીન રજિસ્ટ્રી સળગી ગયા પછી, તેમની પાસે હવે તેમની ઓળખ સાબિત કરવાનો કોઈ રસ્તો રહ્યો નથી.
કાઠમંડુ ઘાટીમાં 112 પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આ વિનાશથી નાગરિકો સૌથી વધુ પીડાઈ રહ્યા છે, જેના કારણે તેમનું જીવન વધુ મુશ્કેલ બની ગયું છે. લોકો જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, પેન્શન અને બેંકિંગ સેવાઓ માટે વલખા મારી રહ્યા છે. પોલીસ તંબુઓમાં કામ કરી રહી છે, અને વાહનો સળગાવવાના કારણે સરકારી વાહનો નથી. આર્થિક અને રાજકીય અસ્થિરતા વચ્ચે, દરરોજ 2 હજારથી વધુ નેપાળીઓ વિદેશમાં સ્થળાંતર કરી રહ્યા છે. નેપાળના પદભ્રષ્ટ વડાપ્રધાન કેપી શર્મા ઓલી લશ્કરી સુરક્ષા હેઠળ નવ દિવસ વિતાવ્યા બાદ ખાનગી નિવાસસ્થાનમાં રહેવા ગયા છે. ઓલી હવે ભક્તપુર જિલ્લાના ગુંડુ વિસ્તારમાં એક ખાનગી ઘરમાં રહેશે. વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ ઓલીએ 9 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું અને સૈન્ય દ્વારા હેલિકોપ્ટર દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા. ઓલીની પાર્ટી, CPN-UML, હવે બંધારણ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.
નેપાળના નવા વડાપ્રધાન કાર્કી અને મોદીએ ગુરુવારે ટેલિફોન દ્વારા વાત કરી, જે કોઈ વિદેશી રાજ્યના વડા સાથેની તેમની પહેલી વાતચીત હતી. બંને નેતાઓએ ભારત-નેપાળ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. મોદીએ X- પર લખ્યું-“નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કી સાથે મારી ખૂબ જ ઉષ્માભરી મુલાકાત થઈ. મેં હાલમાં બનેલી દુ:ખદ ઘટનાઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરી, જેમાં ઘણા લોકોના જીવ ગયા. મેં તેમને ખાતરી પણ આપી કે શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોમાં ભારત નેપાળની સાથે સંપૂર્ણ રીતે ઉભું છે. મેં તેમને અને નેપાળના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ માટે મારી શુભકામનાઓ પણ પાઠવી”.