વડાપ્રધાનશ્રી ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે પરંતુ સત્ય હકીકત એ છે કે ભૂતકાળમાં ચૂંટણીઓના સમયે વારંવાર મોટી અને ખોટી જાહેરાતો બાદ હકીકતમાં તેમણે કરેલી જાહેરાતો પૈકી ભાવનગરને કશું જ મળ્યું નથી : શ્રી શક્તિસિંહ ગોહિલ
સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતિનું વર્ષ છે ત્યારે અમદાવાદ ખાતેનું ક્રિકેટ સ્ટેડિયમ કે જે સરદાર સાહેબના નામ પર હતું તેને બદલાવીને હાલના વડાપ્રધાનશ્રીના નામે કરાયું છે તે ક્રિકેટ સ્ટેડિયમને પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલના નામનું જાહેર કરવામાં આવેઃ શ્રી શક્તિસિંહ ગોહિલ
9afc554d-887d-4803-b8f6-b6c6ebae5f20
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્ય સભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રી આવતીકાલ તા. ૨૦-૯-૨૦૨૫ના રોજ ભાવનગર ખાતે આવી રહ્યા છે, કારણ કે ભાવનગર મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે લાખો કરોડના નવા કામોની જાહેરાતો અને ભવિષ્યના ખોટા સપનાઓ દેખાડતી વિડિયો રજુ કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે હાલના વડાપ્રધાનશ્રીના ભાવનગર ખાતે તેઓએ તા. ૧-૫-૨૦૦૬, ૨૬-૧-૨૦૧૨ તથા અગાઉના સમયમાં જે પ્રવચનો આપીને વચનોની લહાણી કરી હતી તે પ્રવચનોના વિડીયો તેમજ ભાવનગરથી દહેજ, હાંસોટ બારમાર્ગીય રોડ બની જશે, કલ્પસર યોજના બની જશે, ૨૦૨૦માં ભાવનગર અને સૌરાષ્ટ્રના લોકો ૧૩૬ કિ.મી.માં જ સીધા સુરત સુધી પહોંચી શકશે અને બારમાર્ગીય મોટો હાઈવે બની જશે જેથી ૨૦૨૦માં સુરત અને ભાવનગર વચ્ચે ૭૫,૦૦૦ વાહનો વાયા બગોદરા નહીં પરંતુ સીધા સુરત અને ભાવનગર વચ્ચે વાયા દહેજ, હાંસોટના રસ્તે ચાલશે. ભાવનગર ખાતે બનેલા કલ્પસરના ઉપર બનેલા બારમાર્ગીય રસ્તાની સાથોસાથ બ્રોડગેજની મોટી રેલવેલાઈન પણ નાખી દેવામાં આવશે આવી બધી જાહેરાતો કરીને વીડિયો અને પ્રવચનમાં કહેવાયું હતું કે આ એક મોટો ગોલ્ડન કોરીડોર બની જશે અને ભાવનગરની જનતા સૌથી વધારે લાભાન્વિત થઈ જવાની છે અને સૌરાષ્ટ્રનું મુખ્ય દ્વાર ભાવનગર બની જવાનું છે.
મુખ્યમંત્રીશ્રીના જુના પ્રવચનોની આ બધી વિડિયો પ્રેસ અને મીડીયાને રજૂ કરાયા બાદ શ્રી ગોહિલે એ પણ જણાવ્યું હતું કે, ભાવનગરમાં તા. ૨૬-૧-૨૦૧૨ના રોજ હાલના પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ભાવનગરની જહાંગીર મિલના કમ્પાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાયમંડ પાર્ક બનાવી દેવામાં આવશે, ભાવનગરમાં જુદી જુદી જગ્યાએ જીઆઈડીસીઓ બનાવી દેવામાં આવશે એવી પણ જાહેરાતો કરી હતી. આ ઉપરાંત, ભાવનગરમાં મહુવા, સરતાનપર અને મીઠી વીરડીને રાષ્ટ્રીય કક્ષાના બંદરો વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સત્ય હકીકત એ છે કે ચૂંટણીઓના સમયે વારંવાર આવી મોટી અને ખોટી જાહેરાતો બાદ હકીકતમાં ભાવનગરને કરેલી જાહેરાતો પૈકી કશું જ મળ્યું નથી.
આવતીકાલે ભાવનગર ખાતે આવતા વડાપ્રધાનશ્રી પાસે કોંગ્રેસ પક્ષ દ્વારા નીચે મુજબની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
(૧) જૂની જાહેરાતો સંપૂર્ણ ઠગારી નીવડેલી છે માટે પ્રધાનમંત્રીશ્રી ભાવનગરમાં જાહેરમાં ભાવનગરની જનતાની માફી માંગે.
(૨) સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતિનું વર્ષ છે ત્યારે અમદાવાદ ખાતેનું ક્રિકેટ સ્ટેડિયમ કે જે સરદાર સાહેબના નામ પર હતું તેને બદલાવીને હાલના વડાપ્રધાનશ્રીના નામે કરાયું છે તે ક્રિકેટ સ્ટેડિયમને પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલના નામનું જાહેર કરવામાં આવે અને ક્રિકેટ સ્ટેડિયમ પર સરદાર સાહેબનું નામ લગાવવામાં આવે.
(૩) ભાવનગરના લોકોને રોજી પૂરી પાડતાં ડાયમંડ અને શીપ બ્રેકિંગના માટે ખાસ પેકેજ અને સહાયક પોલીસી જાહેર કરવામાં આવે.
(૪) કપાસ, ડુંગળી અને મગફળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ બિલકુલ મળતા નથી ત્યારે તાત્કાલિક ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતોને કાયમી પોષણક્ષમ ભાવ મળે તે માટે એમએસપીનો કાયદો કેન્દ્ર સરકાર ત્વરિત સંસદમાં પસાર કરે.
(૫) અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં પારાવાર નુકસાન થયું છે એવા વિસ્તારોની વડાપ્રધાનશ્રી ખુદ વિમાનમાંથી નીચે ઉતરી મુલાકાત લે અને અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોને રૂબરૂ સાંભળે.
(૬) ભાવનગરમાં ચૂંટણી સમયે અંધ ભક્તોએ કહ્યું હતું કે મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજીને ભારતીય જનતા પાર્ટીના હાલના વડાપ્રધાનશ્રી ભારત રત્ન એનાયત કરી દેવાના છે તો હવે તાત્કાલિક પ્રાતઃસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે.
(૭) ભાવનગરમાં આલ્કોક એશડાઉન કંપની અનેક જહાજો બનાવીને લોકોને રોજી પૂરી પાડતી સરકારી કંપની હતી, તે બંધ કરીને ભાવનગરને જે અન્યાય કરવામાં આવ્યો છે, તે તાત્કાલિક દૂર કરવામાં આવે.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.
