
બેન્કો દ્વારા વસુલવામાં આવતા જુદા જુદા ઉંચા સર્વિસ ચાર્જ પર આરબીઆઈ લગામ લગાવી શકે છે. આરબીઆઈ ઈચ્છે છે કે બેન્કો તરફથી વસુલવામાં આવતા સર્વિસ ચાર્જ ઘટાડવામાં આવે તેમાં ડેબિટકાર્ડ સાથે સંકળાયેલી ફી, મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ અને લેટ પેમેન્ટ ફી સામેલ છે. આ પગલાથી ગ્રાહકોને બેન્ક દ્વારા લગાવવામાં આવેલ ઉંચા ચાર્જથી રાહત મળી શકે છે. બેન્કોને હાલમાં જ આરબીઆઈ તરફથી આ સંદેશ આપવામા આવ્યો છે, જો કે આના પર આરબીઆઈ તરફથી અધિકૃત ટિપ્પણી નથી આવી. નામ ન બતાવવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ હાલના સપ્તાહમાં બેન્કોને જણાવ્યું છે કે તે ડેબિટ કાર્ડ, ન્યુનતમ બેલેન્સનો ભંગ અને લેટ પેમેન્ટ સહિતના સર્વિસ ચાર્જમાં ઘટાડો ઈચ્છે છે. રિઝર્વ બેન્કે પગલું હાલના વર્ષોમાં ભારતની બેન્કો દ્વારા રિટેલ લોનમાં નવેસરથી વધારા બાદ લીધું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેન્કોએ કોર્પોરેટ લોનની મુશ્કીલો બાદ રિટલ લોન પર વધુ ફોકસ કર્યું છે. પર્સનલ લોન, કાર લોન અને અને નાની બિઝનેસ લોન જેવી પ્રોડકટ્સે બેંકોની કમાણીને ફરીથી વધારી છે. આ વધારાની ગતિએ આરબીઆઈનું ધ્યાન પણ ખેંચ્યું છે.
જાણકારોના અનુસાર આરબીઆઈ ખાસ કરીને એ ચાર્જ પર નજર રાખી રહ્યું છે જે ઓછી આવક વાળા ગ્રાહકો પર વધુ બોજ નાખે છે જો કે આરબીઆઈએ કોઈ નિશ્ચિત સીમા કે દર નથી બતાવ્યા અને તેને બેંકોની મરજી પર છોડયું છે. બેંકો દ્વારા લગાવવામાં આવતા ચાર્જ પર કોઈ ફરજિયાત સીમા નથી. ઓનલાઈન માર્કેટ પ્લેસ `બેંક બજાર’ના આંકડા મુજબ રિટેલ અને નાની કોમર્શિયલ લોન માટે પ્રોસેસીંગ ફી સામાન્ય રીતે 0.5 ટકાથી 2.5 ટકા સુધીની હોય છે. જેમાં કેટલીક બેંકો હોમ લોન પર પ્રોસેસીંગ ફીની ઉપરી સીમા 25 હજાર રૂપિયા સુધીની રાખે છે. ઈન્ડિયા રેટીંગ્ઝ એન્ડ રિસર્ચના રિપોર્ટ મુજબ, આ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં બેંકોની ફીથી થનારી આવક 12 ટકા વધીને 51,060 કરોડ રૂપિયા થઈ ગઈ, ગત ત્રિમાસિકમાં આ વધારો માત્ર 6 ટકા હતો આરબીઆઈએ અસમાન ચાર્જ પર પણ ધ્યાન આપી રહી છે જે એક જ ઉત્પાદન માટે અલગ અલગ ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. ઈન્ડિયન બેન્કસ એસોસીએશન (આઈબીએ) પણ 100થી વધુ રિટેલ ઉત્પાદનો પર બેંકો સાથે ચર્ચા કરી રહ્યું છે, જે આરબીઆઈના ક્ષેત્રમાં આવી શકે છે.