
ગુજરાત હાઇકોર્ટમાં સરખેજ રોજા કમિટી દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે સરખેજ રોજામાં કોઈ 05 મિનિટ ઊભું ન રહી શકે તેટલી ગંધ આવે છે. આ એક ઐતિહાસિક ધરોહર છે. આ રોજામાં શિંગોડા તળાવ આવેલું છે. જેમાં આસપાસના લોકોએ ગેરકાનૂની સુએજ લાઇન જોડી દીધી છે. એક વખત AMC ના અધિકારી અહીંની મુલાકાત લે અને સમસ્યાનું સમાધાન કરે.
સરખેજ રોજામાં ચોમાસામાં હાલત બદતર થઈ જાય છે. આ રોજાની મુલાકાત રાષ્ટ્રપતિએ પણ લીધેલી છે. શિયાળામાં બહુ વિદેશી પ્રવાસીઓ આ રોજાની મુલાકાતે આવે છે. અરજદારોએ ઘણી વખત આ મુદ્દે ઓથોરોટી સમક્ષ રજૂઆત કરી છે. અમદાવાદને સ્વચ્છ સીટીનો એવોર્ડ મળ્યો છે. અગાઉ આ પરિસરમાં ગેરકાનૂની દબાણ દૂર કરાયું હતું.
સરકારી વકીલે જવાબ આપ્યો હતો કે, આ બાબતમાં AMCનો કોઈ રોલ નથી. અરજદારોનો આ અરજી કરવાનો હેતુ બીજી બાબતો અંગેનો છે. આ મોન્યુમેન્ટ કોર્પોરેશનમાં નહીં, આર્કિઓલોજીકલ વિભાગમાં આવે. સુએઝના ગેરકાયદેસર લાઇન અરજદારના સપોર્ટથી જ નખાઈ છે. સરખેજ રોજા કમિટી વકફની છે. જેથી આ મુદ્દો વકફ ટ્રિબ્યુનલમાં જવો જોઈએ. જો કે કોર્ટે આર્કિઓલોજીકલ વિભાગ પાસે જવાબ માંગી વધુ સુનવણી 30 સપ્ટેમ્બરે રાખી છે.