
અમદાવાદ શહેરના નમસ્તે સર્કલ પાસે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. ખાનગી ટ્રાવેલ્સની ઓવરલોડ બસ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઝાડ સાથે ટકરાતાં ડાળી તૂટી પડી હતી, જે પાછળ આવી રહેલા એક્ટિવાચાલક પર પડતાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ખાનગી કંપનીમાં કો-ઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને પરિવારમાં બહેનોનો એકનો એક ભાઈ હતો. પોલીસે બસચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવા નરોડા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ રેસિડેન્સીમાં રહેતા કાંતિભાઈ વણકરે માધવપુરા પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ કરી છે. કાંતિભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેમની બે દીકરીનાં લગ્ન થઈ ગયાં છે, જ્યારે દીકરો ક્રિસ્ટન તેમની સાથે રહે છે. ક્રિસ્ટન પરિમલ ગાર્ડન પાસે આવેલી એક કંપનીમાં કો-ઓર્ડિનેટર તરીકે નોકરી કરે છે. ગઈકાલે કાંતિભાઈ પત્ની ગીતાબેન સાથે ઘરે હાજર હતા એ વખતે દીકરી ભાવિકાનો ફોન આવ્યો હતો. ભાવિકાએ ફોન પર કાંતિભાઈને માહિતી આપી હતી કે ક્રિસ્ટનનો નમસ્તે સર્કલ ખાતે અકસ્માત થયો છે અને હાલમાં તે સિરિયસ છે. કાંતિભાઈ પત્ની ગીતાબેન સાથે નમસ્તે સર્કલ પહોચ્યા હતા, જ્યાં જેનિશે તેમને વલ્લભ હોસ્પિટલ આવી જવાનું કહ્યું હતું. કાંતિભાઈ પત્ની સાથે હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે ક્રિસ્ટન મૃત હાલતમાં આઇસીયુમાં હતો, જ્યાં સારવાર દરમિયાન ક્રિસ્ટનનું મોત થયું હતું.
ક્રિસ્ટન સાડાસાત વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને નમસ્તે સર્કલથી મુસાસુહાગ કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો ત્યારે ઝાડની ડાળી તેના માથામાં પર પડી હતી. લક્ઝરી બસમાં ઓવરલોડ સામાન ભર્યો હતો અને એ પસાર થઈ રહી હતી ત્યારે સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો. સામાન અથડાતાંની સાથે જ ડાળી તૂટી હતી અને સીધી ક્રિસ્ટનના માથા પર પડી હતી. ક્રિસ્ટનની થોડી સારવાર કર્યા બાદ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. લક્ઝરીમાં ઓવરલોડ સામાન ભરતાં આ ઘટના ઘટી હોવાથી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.
ગીતા મંદિર બાદ અમદાવાદમાં લકઝરીઓ માટેનું જો મોટું સ્ટેન્ડ હોય તો એ શાહીબાગ નમસ્તે સર્કલ છે. નમસ્તે સર્કલ પર રોજની સંખ્યાબંધ લકઝરીઓ અન્ય રાજ્યો તેમજ શહેરોમાં જતી હોય છે. સંખ્યાબંધ લકઝરી બસ હોવાને કારણે ટ્રાફિકજામની સમસ્યા વધુ ને વધુ રહેતી હોય છે. જ્યારે લકઝરી બસ ઊભી હોય ત્યારે ત્યાંથી ટૂ-વ્હીલ કે કાર લઈને નીકળવું માથાના દુખાવા સમાન બનતું હોય છે.