અમદાવાદ એરપોર્ટથી 3 મહિનામાં 250 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

Spread the love

 

 

અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. તાજેતરમાં વધુ એક વખત વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલા બે મુસાફર પાસેથી કસ્ટમ્સની ટીમે રૂ.8 કરોડનો 8.400 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લીધો હતો. અત્યારસુધી ગાંજો થાઇલેન્ડથી આવતો હતો, પરંતુ હવે એ વિયેતનામથી આવવા લાગ્યો છે, જેના કારણે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી 250 કિલો અને ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 50 કિલો મળી કુલ 300 કિલો હાઇબ્રિડ ગાંજો (કિંમત રૂ.300 કરોડ) ઝડપી લેવાયો છે. એ ઉપરાંત રૂ.10 કરોડનું હેરોઇન પણ કબજે કરવામાં આવ્યું છે.
એરપોર્ટ પર વધી રહેલી દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરીને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ એજન્સીઓએ બાજનજર રાખી છે. એ દરમિયાન કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્ટ યુનિટને મળેલી ચોક્કસ બાતમીના આધારે હનોઈ (વિયેતનામ)થી વિયેતજેટ એરલાઇન્સની ફ્લાઇટ VJ 1925માં બે મુસાફર અમદાવાદ આવી રહ્યા છે. ફ્લાઇટ આવતાં જ તેમને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બંને મુસાફરોના સામાનમાંથી 16 વેક્યૂમ સીલ કરેલાં પારદર્શક પેકેટ્સ મળ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં આ પેકેટ્સમાં ભરાયેલો પદાર્થ મરીજુઆના (કૅનબિસ/હાઇડ્રોફોનિક ગાંજો) હોવાનું બહાર આવ્યું હતું. ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 8.400 કિલો ગાંજો કબજે લેવાયો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 8 કરોડથી વધુ ગણવામાં આવે છે.
કસ્ટમ્સ વિભાગે નશીલા પદાર્થોને કાયદેસર રીતે જપ્ત કરીને બંને મુસાફરની ધરપકડ કરી છે. આ કાર્યવાહી NDPS Act, 1985 હેઠળ હાથ ધરાઈ છે. બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે માત્ર છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી કુલ 250 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે, સાથે સાથે સોનાની દાણચોરીના બનાવો પણ વારંવાર બહાર આવતા રહ્યા છે, આથી સ્પષ્ટ થાય છે કે અમદાવાદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય તસ્કરો માટે “હોટ ફેવરિટ” બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *