AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન

Spread the love

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ મથકે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચૈતર વસાવાએ ચાર્જશીટ ફાઇલ થયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે તેમને 10 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. જેની એક શરત મુજબ તેઓ 01 વર્ષ સુધી ડેડિયાપાડામાં પ્રવેશી શકશે નહીં. ચૈતર વસાવાના વકીલે દલીલ કરી હતી કે ડેડીયાપાડા અરજદારનું મતક્ષેત્ર છે અને વિરોધીઓ એમ જ ઇચ્છી રહ્યા છે કે ચૈતર વસાવા ડેડિયાપાડાથી દૂર રહે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે MLA એ પહેલા પોતાનું વર્તન જોવું જોઈએ. કેસની વિગતો જોતા ડેડીયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા હતા. પરંતુ કમિટીમાં તેમના સભ્યોનો સમાવેશ ન થતા ફરિયાદ મુજબ તેઓએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી. તેમજ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાને છુટ્ટી વસ્તુઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી.
નર્મદાની કોર્ટમાં ચૈતર વસાવા વતી રજૂઆત કરવામાં આવી હતી કે પોતે શાસક પક્ષ ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્ય હોવાથી તેમની કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવે છે. તેમને પણ ફરિયાદી સામે ક્રોસ ફરિયાદ આપવા કોશિશ કરી હતી, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. હત્યાના પ્રયાસ જેવો કોઈ ગુનો તેમને કર્યો નથી. અયોગ્ય વ્યક્તિઓને એટીવીટી કમિટીમાં નિમણૂક આપવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. તેમની સામે જે 18 ગુના નોંધાયેલા હોવાની વાત કરવામાં આવે છે, તે મોટાભાગના રાજકીય અદાવતથી પ્રેરિત છે, તેમજ કેસ પૂરા થઈ ચૂક્યા છે. ફરિયાદી ભાજપના સભ્ય છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી ધારાસભ્ય હોવા છતાં કાયદાને માન આપતા નથી. તેમની સામે આ પૂર્વે 18 ગુના નોંધાયેલા છે. જેમાં લૂંટ, ધાડ, છેડતી, સરકારી ફરજમાં રૂકાવટ વગેરે જેવા ગુન્હાહોનો સમાવેશ થાય છે. જ્યારે પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાય છે, ત્યારે પોતે વિરોધી પાર્ટીના MLA હોવાનું જણાવીને છટકબારી ખોલી લે છે. લોકશાહીમાં બંધારણ અને કાયદો સર્વોચ્ચ છે. ચૂંટાયેલા ધારાસભ્યએ ગુંડા જેવું વર્તન કરવું જોઈએ નહીં. BNS ની નવી કલમો મુજબ હત્યાની કોશિશમાં પીડિતાને ઈજા થયેલી હોવી જરૂરી નથી. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા જો ચૈતર વસાવાને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો Dysp કચેરી, કલેક્ટર કચેરી અને જેલ ઉપર હુમલાની ધમકી આપવામાં આવી હતી. ચૈતર વસાવાને અગાઉ પાસા અને તડીપારની સજાઓ થઈ ચૂકી છે. તેઓ પ્રોબેશન ઉપર છૂટ્યા હોવા છત્તા આવી વર્તણૂક અયોગ્ય છે. તેઓ એક ધારાસભ્ય હોવાથી સાહેદો અને પુરાવા સાથે ચેડા કરી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *