
ગાંધીનગરના પેથાપુર ઘૂંઘટ હોટેલની પાછળ રહેતા પિતા-પુત્ર પર જૂની અદાવતના કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂની અદાવતમાં પિતાનું અપહરણ કરી પુત્ર ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પેથાપુર પોલીસે પેથાપુરના ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના પેથાપુર હોટલ ઘૂંઘટ પાસેના કાચા છાપરામાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા કનુસિંહ શંકરસિંહ બિહોલાને ગત 19 સપ્ટેમ્બરે જોગણી માતાના મંદિરે રાજુ દંતાણીએ કહ્યું કે, તમારો નાનો દીકરો અમને બહુ હેરાન કરે છે, તેને સમજાવી દેજો, નહીં તો હું રાજેન્દ્રસિંહ ઉર્ફે શેરખાનને કહી દઇશ. આથી કનુસિંહે કહ્યું કે, એ તમારો મિત્ર છે. તમારે અને મારા દીકરાને જે હોય તે મને નહીં કેવાનું અને શેરખાનને કહેવુ હોય તો કહી દેજે અને શેરખાનથી થાય તે કરી લે. ત્યારબાદ રાજુ દંતાણી ત્યાથી જતો રહ્યો હતો. બાદમાં સાંજના સમયે કનુસિંહ આંકોલ તળાવ પાસે એકલા બેઠા હતા. ત્યારે પેથાપુરનો જયપાલસિંહ ઉર્ફે ભુરો રતનસિંહ ડાભી, પૃથ્વીરાજસિંહ ઉર્ફે ભયલુ રાજેન્દ્રસિંહ ડાભી એક્ટિવા લઈ ત્યાં પહોંચ્યા હતા. પૃથ્વીરાજસિંહ કહેવા લાગ્યાં કે, મારા પપ્પાનુ નામ લેવાની તારી હિંમત કેવી રીતે થઇ? કહીને લાકડાના ધોકાથી મારમારી કનુ સિંહનું એક્ટિવા ઉપર અપહરણ કરી રાજેન્દ્રસિંહ ઉર્ફે શેરખાન દેવુસિંહ ડાભીના ખેતરમાં તબેલામા લઈ ગયા હતા.
તે વખતે ત્યાં રાજેન્દ્રસિંહ ઉર્ફે શેરખાન અને રાજુ દંતાણી ત્યાં હાજર હતા અને રાજેન્દ્રસિંહ ઉર્ફે શેરખાને તું કેમ મારા વિશે આવુ બોલ્યો તેમ કહીને તેના દીકરા ભયલુ અને ભુરાને સૂચના આપી કે, જે જુઠ્ઠુ બોલે એના ટાંટિયા ભાંગી નાખો. આ દરમિયાન કનુસિંહનો દીકરો રાજપાલસિંહ ત્યાં પહોંચ્યો હતો અને મારા પપ્પાને કેમ લાવ્યા છો? તેમ કહેતાની સાથે જયપાલસિંહ ઉર્ફે ભુરાએ ઢાળીયામાથી તલવાર લાવીને રાજપાલસિંહને માથાના પાછળના ભાગે તલવાર મારી દીધી હતી, જેથી તે જમીન ઉપર પડી ગયો હતો. બાદમાં કનુસિંહ સગા સબંધીઓને જાણ કરવા બાઇક લઈને ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ તેમને માથાના ભાગે વાગ્યું હોવાથી બેભાન વસ્થામાં ઘરે જઈ સૂઈ ગયા હતા.બીજા દીવસે તેમને માલૂમ પડેલું કે, તેમના દીકરાને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયો છે, જેને બ્રેઇન હેમરેજ થયાનું નિદાન થયું છે. એ વખતે કનુસિંહે દીકરાની હાલત જોઈ ગભરાઈને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ત્યારે પરિવારજનોની હિંમત મળતા કનુસિંહે ફરિયાદ આપતા પેથાપુર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુની નોંધી વધુ તપાસ હાથ ધરી છે.